નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. દેશભરમાં વધી રહેલા કોરોનાના ખતરાને જોતા કેટલાક રાજ્યો દ્વારા લોકડાઉન લાદવામાં આવી શકે છે.


મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે સ્પષ્ટ કહ્યું હતું કે, રાજ્યમાં 30 જૂન બાદ પણ લોકડાઉન હટાવવામાં આવશે નહીં. રાજ્યના લોકોને સંબોધિત કરતા ઠાકરેએ કહ્યુ કે ,30 જૂન બાદ લોકડાઉન હટાવવામાં આવશે નહીં. સ્થિતિ અગાઉ જેવી રહેશે નહીં. આપણે છૂટ આપતા સમયે ખૂબ સાવધાનીઓ રાખવી પડશે અને તેને ધીરે ધીરે છૂટ આપવી પડશે કારણ કે ખતરો હજુ ખત્મ થયો નથી.

દિલ્હીમાં કોરોના વાયરસની સ્થિતિને જોતા સ્કૂલો 31 જુલાઈ સુધી બંધ રહેશે. જ્યારે ઓનલાઈન એજ્યુકેશન અને અન્ય ગતિવિધિ શરૂ રહેશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પહેલા જ રાજધાનીમાં કોરોના વધતા મામલાને જોઈ લોકડાઉન મોડમાં આવવાનો વિચાર કર્યો હતો.

તેલંગાણા સરકારે પણ લોકડાઉન વધારવાનો સંકેત આપ્યો છે. રવિવારે રાજ્ય સરકારે કહ્યું, મેડિકલ અને સ્વાસ્થ્ય વિભાગે હૈદરાબાદમાં ફરીથા લોકડાઉન લાગુ કરવાનો સારો વિકલ્પ હોવાનો પ્રસ્તાવ આપ્યો છે. પરંતુ લોકડાઉન ફરીથી લાગુ કરવું એક મોટો ફેંસલો હશે. સરકારી મશીનરી અને લોકોએ આ માટે તૈયાર રહેવું જોઈએ.

તમિલનાડુના ચેન્નઈ, મદુરાઈ, કાંચીપુરમ અને તિરુવલ્લુરના કેટલાક હિસ્સામાં ગત શુક્રવારથી 30 જૂન સુધી લોકડાઉન લંબાવાયું છે. જોકે મુખ્યમંત્રી પલાનીસ્વામીએ લોકડાઉન લંબાવવામાં આવશે કે નહીં તેની કોઈ સ્પષ્ટતા કરી નથી. કેન્દ્ર તરફથી અનલોકની ગાઇડલાઇન મળ્યા બાદ રાજ્ય સરકાર પોતાની રણનીતિ બનાવશે.

મણિપુર સરકારે રાજ્યમાં લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. મણિપુરમાં 15 જૂલાઈ સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે જણાવ્યું હતું કે, 1-15 જૂલાઈ સુધી એટલે કે, 15 દિવસ માટે વધુ લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે.

મધ્યપ્રદેશમાં 1 જુલાઈથી કોરોનાના ખાત્મા માટે કિલ કોરોના કેમ્પેન શરૂ કરાશે. ભોપાલ અને ઈન્દોરમાં સતત કેસ વધી રહ્યા છે. મોટાભાગના સ્થાન પર રવિવારે બજાર બંધ રાખવાનો ફેંસલો થયો છે. શિવરાજ સિંહ ચૌહાણ આગળની રણનીતિને લઈ કેન્દ્ર સરકારના દિશા નિર્દેશની રાહ જોઈ રહ્યા છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ થોડા દિવસ પહેલા જ રાજ્યમાં 31 જુલાઈ સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી હતી. તેમણે 31 જુલાઈ સુધી કોવિડ-19 સંક્રમણનો વધારે દર ધરાવતાં રાજ્યોની સાથે આંતરાષ્ટ્રીય ઉડાનોને કોલકાતમાં ન આવવા દેવાની કેન્દ્ર સરકારને અપીલ કરી હતી. રાજ્યમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે.

ઝારખંડમાં 31 જુલાઈ સુધી લોકડાઉન વધારવામાં આવી ચુક્યું છે. જોકે આ અંગે રાજ્ય સરકારે વિસ્તૃત આદેશ જાહેર નથી કર્યો. અહીંયા 2200થી વધારે પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. લોકડાઉન કે અનલોક 2 પર 1 જુલાઈ સુધીમાં ફેંસલો થઈ શકે છે.

આસામ સરકારે શુક્રવારે રાજ્યભરમાં 12 કલાક માટે રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરી છે. ગુવાહાટી સહિત અમુક જિલ્લામાં 14 દિવસના પૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે.