Doctor Murder Case: કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મધરાતે કેટલાક લોકો હોસ્પિટલના પરિસરમાં ઘૂસી ગયા હતા અને ઈમરજન્સી વિભાગમાં તોડફોડ કરી હતી. ટોળાએ આરજી કર હોસ્પિટલ પાસે પોલીસ બેરિકેડ તોડીને પરિસરમાં ઘૂસ્યા હતા. કેટલાક લોકોએ ખુરશીઓ અને બોર્ડ તોડી નાખ્યા હતા. બીજી તરફ મોટી સંખ્યામાં મહિલાઓ કોલકાતાના રસ્તાઓ પર જૂનિયર ડોક્ટર માટે ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહી હતી.






30-40 યુવકોએ અંદર ઘૂસી તોડફોડ કરી હતી


પોલીસે જણાવ્યું કે 30-40 યુવકો અંદર ઘૂસી ગયા હતા અને તોડફોડ કરી હતી. તોડફોડ કરનાર આ લોકો કોણ છે તે જાણવા મળી શક્યું નથી. મોટી વાત એ છે કે પોલીસની સામે તોડફોડ કરવામાં આવી હતી.






મીડિયાકર્મીઓ પર હુમલો કર્યો


પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલ પરિસરમાં તૈનાત પોલીસ મૂક પ્રેક્ષક બની રહી હતી જ્યારે ટોળાએ ઈમરજન્સી વિભાગમાં તોડફોડ કરી હતી. હિંસક ટોળાએ હોસ્પિટલમાં હાજર મીડિયાકર્મીઓ પર પણ હુમલો કર્યો અને તેમના કેમેરાને નુકસાન પહોંચાડ્યું. હોસ્પિટલ પરિસરની બહાર 'મિડનાઈટ પ્રોટેસ્ટ માર્ચ'માં ભાગ લેનારાઓનું પ્લેટફોર્મ પણ તોડી પાડવામાં આવ્યું હતું.


હુમલાખોરોએ પથ્થરમારો કર્યો હતો


જ્યારે પોલીસ કાર્યવાહી કરવા આગળ વધી તો હુમલાખોરોએ પથ્થરમારો શરૂ કર્યો હતો જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.


કોલકાતાના પોલીસ કમિશનર વિનીત ગોયલે આ વાત જણાવી હતી


કોલકાતાના પોલીસ કમિશનર વિનીત કુમાર ગોયલે કહ્યું કે અહીં જે કંઈ થયું તે ખોટા મીડિયા અભિયાનને કારણે થયું. કોલકાતા પોલીસે શું કર્યું નથી? તેઓએ આ કેસમાં બધું જ કર્યું છે. મારા દરેક અધિકારીએ પુરાવા એકત્ર કરવા માટે દિવસ-રાત મહેનત કરી છે. મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે. અમે કંઈ ખોટું કર્યું નથી. આ મીડિયા અભિયાનને કારણે કોલકાતા પોલીસે લોકોનો વિશ્વાસ ગુમાવ્યો છે. અમે કહ્યું કે અમે વૈજ્ઞાનિક પુરાવાની રાહ જોઈ રહ્યા છીએ. તેમાં સમય લાગે છે. મીડિયા તરફથી ઘણું દબાણ છે. મારી ટીમ દ્વારા બધું જ યોગ્ય રીતે કરવામાં આવ્યું છે. અમે પીડિતાના પરિવાર અને દરેક સાથે પારદર્શી રહ્યા છીએ.