નવી દિલ્હી:  કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં તાલીમાર્થી ડોક્ટર પર થયેલા અત્યાચારને લઈને દેશભરમાં આક્રોશ છે. દરેક જણ આરોપી સંજય રોયને કડક સજાની માંગ કરી રહ્યા છે. દરમિયાન પીડિતાનો વિગતવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ વાંચીને સમજી શકાય છે કે 9મી ઓગસ્ટની રાત્રે આરોપીએ પીડિતા પર કેવો અત્યાચાર કર્યો હતો.


શરીર પર 14થી વધુ ઈજાના નિશાન


રિપોર્ટ અનુસાર મૃતકના શરીર પર 14થી વધુ ઈજાના નિશાન હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, મૃતકના માથા, ગાલ, હોઠ, નાક, જમણા જડબા,  ગરદન, ડાબા હાથ, ડાબા ખભા, ડાબા ઘૂંટણ, પગની ઘૂંટી અને પ્રાઈવેટ પાર્ટ પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા.


આ સાથે જ શરીરના આંતરિક ભાગોમાં પણ ઈજાઓ થઈ હતી. ફેફસામાં લોહીના ગંઠાવાનું નિર્માણ થયું હતું. ગુપ્તાંગની અંદર એક સફેદ જાડું ચીકણું પ્રવાહી પણ મળી આવ્યું હતું.


ગળું દબાવીને તેનો જીવ લીધો હતો


આરોપીએ પીડિતાનું બંને હાથ વડે ગળું દબાવીને તેનો જીવ લીધો હતો. રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે આરોપીએ પીડિતાનું અનેકવાર નિર્દયતાથી યૌન શોષણ કર્યું હતું. લોહી અને અન્ય સેમ્પલ વધુ પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે.  તબીબી નિષ્ણાતોનું કહેવું છે કે પીડિતા વિશે આરજી કર મેડિકલ કોલેજના વિરોધ કરી રહેલા ડોકટરો દ્વારા કરવામાં આવેલા દાવા પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર છે. 


પશ્ચિમ બંગાળમાં આર.જી. કર મેડિકલ કૉલેજ અને હોસ્પિટલમાં મહિલા ટ્રેની ડૉક્ટર સાથે બળાત્કાર અને પછી હત્યાના વિરોધમાં દેશભરની અલગ અલગ મેડિકલ કૉલેજોના વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટે સ્વયં સંજ્ઞાન લીધું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) ડી.વાય. ચંદ્રચૂડની આગેવાનીમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ મંગળવારે (20 ઓગસ્ટ 2024) આ મામલાની સુનાવણી કરશે.


કોલકાત્તા હાઈ કોર્ટે પોલીસની કાર્યવાહીથી અસંતુષ્ટ થઈને સીબીઆઈને કેસની તપાસ પોતાના હાથમાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે મૃતકના માતા પિતા તરફથી દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી કરતા આ આદેશ પસાર કર્યો હતો.


કોલકાતા પોલીસે રવિવાર, 18 ઓગસ્ટથી 24 ઓગસ્ટ સુધી આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ નજીક પ્રતિબંધિત આદેશ લાદ્યો છે, જે હેઠળ પાંચથી વધુ લોકો એકઠા થવા પર પ્રતિબંધ રહેશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોલકાતા પોલીસે હોસ્પિટલની આસપાસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 (2) લાગુ કરી છે.


તમને જણાવી દઈએ કે આ ઘટનામાં અત્યાર સુધી માત્ર એક જ વ્યક્તિ સંજય રોયની ધરપકડ કરવામાં આવી છે. CBI મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સહિત ઘણા લોકોની પૂછપરછ કરી રહી છે. દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં નિવાસી ડૉક્ટરો હડતાળ પર છે. ડોકટરોની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર કાયદો બનાવે તેવી માંગ ઉઠી છે.