નવી દિલ્હીઃ નેશનલ રજિસ્ટર ઓફ સિટીજન (NRC)ને લઇને ઉભા થયેલા વિવાદને લઇને બીજેપી અધ્યક્ષ અમિત શાહ 11 ઓગસ્ટના રોજ પશ્વિમ બંગાળનો પ્રવાસ કરશે. બીજેપી અધ્યક્ષ કોલકત્તામાં રેલીને સંબોધિત કરશે. અમિત શાહે જણાવ્યું હતું કે, તેમને મંજૂરી મળે કે ના મળે તે પશ્વિમ બંગાળ જરૂર જશે. મમતા બેનર્જીએ મારી ધરપકડ કરવી હોય તો તે કરી શકે છે. બીજી તરફ મમતા બેનર્જીએ કહ્યું હતું કે, અમિત શાહે જ્યાં જવું હોય તો ત્યાં જઇ શકે છે. આ બધા વચ્ચે કોલકત્તા પોલીસે અમિત શાહની 11 ઓગસ્ટની પ્રસ્તાવિત રેલીને મંજૂરી આપી દીધી છે.
ભાજપ યુવા મોરચાએ આરોપ લગાવ્યો હતો કે શાહની રેલીને લઇને કોલકત્તા પોલીસ તરફથી તેમને કોઇ જાણકારી મળી નથી જેના થોડા જ કલાકોમાં કોલકત્તા પોલીસે રેલીની મંજૂરી આપી દીધી હતી. ઉલ્લેખનીય છે કે ચાર વર્ષ અગાઉ પણ કોલકત્તાની સિવિલ બોડીએ અમિત શાહની રેલીને મંજૂરી આપી નહોતી. ત્યારબાદ બીજેપીએ કોલકત્તા હાઇકોર્ટમાં અરજી કરી હતી જ્યાંથી મંજૂરી મળ્યા બાદ નવેમ્બર 2014માં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.