KSRTC Driver's Video: કર્ણાટકના હાવેરીથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મુસ્લિમ સરકારી કર્મચારીએ બસ રોકી અને નમાઝ પઢવા લાગ્યો હતો. આ સમય દરમિયાન, બસમાં બેઠેલા મુસાફરો રાહ જોતા રહ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે જેના કારણે તે કર્મચારીની મુશ્કેલીઓ વધી ગઈ છે.

હાવેરી જિલ્લામાં આ ઘટનાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. આ ઘટના મંગળવારે બની જ્યારે મુસાફરો બસમાં બેઠા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક મુસાફરોએ આનો વિરોધ પણ કર્યો હતો, પરંતુ ડ્રાઇવરે બસ રોકી અને નમાઝ અદા કરી હતી. આ ઘટના સાંજે હુબલી-હાવેરી રોડ પર બની હતી. વીડિયો સામે આવ્યા બાદ કર્ણાટક રાજ્ય પરિવહન નિગમે આ મામલાની તપાસના આદેશ આપ્યા છે.

મંત્રીએ અધિકારીને પત્ર લખી કાર્યવાહીની માંગ કરી

કર્ણાટક સરકારના પરિવહન અને મુઝરાઇ મંત્રી રામલિંગા રેડ્ડીએ આ મામલે NWKRTC (હુબલી) ના મેનેજિંગ ડિરેક્ટરને પત્ર લખ્યો છે. તેમણે લખ્યું કે 29 એપ્રિલની સાંજે, હુબલીથી હાવેરી જતી એક બસને રસ્તામાં ડ્રાઇવરે રોકી અને તેણે નમાઝ અદા કરી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

મંત્રીએ કહ્યું કે જે લોકો સરકારી સેવામાં છે તેમણે નિયમોનું પાલન કરવું જરૂરી છે. દરેક વ્યક્તિને પોતાના ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા છે, પરંતુ તે ઓફિસ સમયની બહાર થવું જોઈએ. મુસાફરોથી ભરેલી બસને રસ્તાની વચ્ચે રોકીને નમાઝ પઢવી એ યોગ્ય નથી. મંત્રીએ પોતાના પત્રમાં કહ્યું છે કે વાયરલ વીડિયોની તાત્કાલિક તપાસ થવી જોઈએ અને જો કર્મચારી દોષિત ઠરે તો તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે જરૂરી પગલાં લેવા જોઈએ.

આવો કિસ્સો પહેલા પણ સામે આવ્યો છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જૂલાઈ 2023માં બેંગલુરુમાં પણ આવી જ ઘટના બની હતી. આમાં એક મહિલા મુસાફરે BMTC (બેંગલુરુ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) બસ ડ્રાઇવરની ટોપી પહેરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. મહિલાએ કહ્યું કે સરકારી કર્મચારીઓએ ફરજ દરમિયાન કોઈપણ ધાર્મિક પ્રતિકો પ્રદર્શિત ન કરવા જોઈએ.

ડ્રાઇવરે કહ્યું કે તે ઘણા વર્ષોથી ટોપી પહેરી રહ્યો છે અને પહેલા કોઈએ વાંધો ઉઠાવ્યો ન હતો પરંતુ તેમ છતાં પણ ટોપી ઉતારવા માટે સહમત થયો. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો અને લોકોએ તેના પર અલગ અલગ મંતવ્યો આપ્યા હતા.