CM Nitish Kumar Campaign : બિહારમાં મુખ્યમંત્રી નીતીશ કુમારની સભામાં ભારે હોબાળો મચ્યો હોવાની ઘટના સામે આવી છે. સભામાં બબાલ થતા ખુરશીઓ પણ ઉડી હતી. મુઝફ્ફરપુરમાં એક ચૂંટણી સભા દરમિયાન આ ઘટના ઘટી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. 


બિહારના મુઝફ્ફરપુરમાં કુર્હાની વિધાનસભા બેઠક માટે પ્રચાર ચાલી રહ્યો છે. આજે મુખ્યમંત્રી નીતીશ કુમાર ચૂંટણી પ્રચાર માટે મુઝફ્ફરપુર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની ચૂંટણી સભામાં હોબાળો થયો હતો. મુખ્યમંત્રી નીતીશના સમર્થકોએ CTET અને BTET શિક્ષક ઉમેદવારો સાથે મારામારી કરી હતી.






...અને અચાનક શરૂ થઈ ગઈ છુટ્ટાહાથની મારામારી


મંચની એક તરફ સીએમ નીતીશ કુમાર સભાને સંબોધી રહ્યા હતા તો બીજી તરફ શિક્ષક ઉમેદવારો હંગામો મચાવી રહ્યા હતા. તેઓ "મુખ્યમંત્રી શરમ કરો", "ડૂબી મરો" ની સાથો સાથ "હાય-હાય"ના નારા લગાવી રહ્યા હતા. આ દરમિયાન તેમના સમર્થકો ઉમેદવારો સાથે ઘર્ષણમાં ઉતરી પડ્યાં હતા. બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એકબીજા પર ખુરશીઓ ફેંકવા લાગ્યા હતાં. ખુરશી ઉડતા નાસભાગ મચી ગઈ હતી. સમર્થકોએ વિદ્યાર્થીઓ પર ખુરશીઓનો વરસાદ વરસાવ્યો હતો. બેઠક દરમિયાન પાછળની તમામ ખુરશીઓ તોડી નાખવામાં આવી હતી. જોકે મુખ્યમંત્રી નીતીશ કુમારે મંચ પરથી સંબોધન યથાવત રાખ્યું હતું. શિક્ષક ઉમેદવારો અને સમર્થકો વચ્ચે મચેલા હંગામો આ વીડિયોમાં જોઈ શકાય છે.
 
સાતમા તબક્કાના શિક્ષક આયોજનની માંગ


આજે મુખ્યમંત્રી કુધનીમાં JDU ઉમેદવાર મનોજ કુશવાહ માટે પ્રચાર કરી રહ્યા હતાં. વિદ્યાર્થીઓ બિહાર સરકાર પાસે તેમની માંગણીઓ પર અડગ રહ્યાં હતાં.  તે દરમિયાન જ આ હોબાળો મચી જવા પામ્યો હતો. ઉલ્લેખનીય છે કે, શિક્ષક ઉમેદવારો તેમની માંગણીઓ માટે સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.


CTET અને BTET વિદ્યાર્થીઓ સાતમા તબક્કાના શિક્ષક આયોજન માટે બિહાર સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા છે. આ અગાઉ પણ તેઓ અનેકવાર રાજધાની પટનામાં ધરણા યોજી ચુક્યા છે. ઉમેદવારોને ભાજપનું સમર્થન પણ મળ્યું છે. સંજય જયસ્વાલે તો બિહાર સરકારને અલ્ટીમેટમ પણ આપ્યું હતું કે, જો 15 ડિસેમ્બર સુધીમાં બિહાર સરકાર 10 લાખ નોકરીઓ નહીં આપે તો ભાજપ ગૃહની કાર્યવાહી ચાલવા નહીં દે.