Kushinagar news: ઉત્તર પ્રદેશના કુશીનગરમાં હાલ ચાલી રહેલી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એટલે કે 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR Process) વિવાદનું કેન્દ્ર બની છે. સુધારાના નામે અહીં મોટી ભૂલો સામે આવી છે. નવાઈની વાત એ છે કે સત્તાધારી પક્ષના જ એક ધારાસભ્યના ભાઈ અને ગામના સરપંચના આખા પરિવારનું નામ મતદાર યાદી (Voter List) માંથી ગાયબ થઈ ગયું છે. આ ઘટનાને પગલે વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
ધારાસભ્યના પૈતૃક ગામમાં જ ભોપાળું
આ ગંભીર બેદરકારી (Negligence) નો કિસ્સો કુશીનગર જિલ્લાના હાટા તહસીલ હેઠળ આવતા સુકરૌલી બ્લોકના રામપુર સોહરૌના ગામમાં પ્રકાશમાં આવ્યો છે. આ ગામ હાટા બેઠક પરના ભાજપના ધારાસભ્ય (BJP MLA) મોહન વર્માનું વતન છે. અહીં તેમના સગા ભાઈ રાજેન્દ્ર વર્મા ગામના સરપંચ (Village Head) છે. નવી યાદી જાહેર થતાં જ ખબર પડી કે સરપંચ રાજેન્દ્ર વર્મા, તેમના પત્ની અને પુત્ર સહિત આખા પરિવારના નામ યાદીમાંથી ઉડાવી દેવામાં આવ્યા છે.
100 થી વધુ લોકોના નામ કમી થતા હોબાળો
માત્ર સરપંચનો પરિવાર જ નહીં, પરંતુ ગામના અન્ય 100 જેટલા નાગરિકોના નામ પણ યાદીમાંથી ગાયબ છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોઈને બીએલઓ (BLO) અને ગ્રામ સચિવે તાત્કાલિક બેઠક બોલાવી હતી, પરંતુ કલાકોની મથામણ બાદ પણ આ નામ કોણે અને કેવી રીતે ડિલીટ કર્યા તે અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપી શક્યું ન હતું. આ કોઈ ટેકનિકલ ખામી (Technical Glitch) છે કે જાણી જોઈને કરેલું કૃત્ય, તે પ્રશ્ન હજુ અકબંધ છે.
ષડયંત્ર હશે તો કાર્યવાહી થશે: MLA
આ સમગ્ર મામલે ધારાસભ્ય મોહન વર્માએ આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, "આ બાબત અત્યંત ગંભીર છે. મેં જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) અને BDO સાથે વાત કરી છે. જો આ નામ કાઢી નાખવા પાછળ કોઈ રાજકીય ષડયંત્ર (Political Conspiracy) હશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તમામના નામ ફરીથી ઉમેરવામાં આવશે."
આ ઘટનાએ SIR પ્રક્રિયાની વિશ્વસનીયતા પર સવાલો ઉભા કર્યા છે. લોકોમાં ચર્ચા છે કે જો સત્તાધારી પક્ષના ધારાસભ્યના ભાઈનું નામ યાદીમાંથી નીકળી જતું હોય, તો સામાન્ય મતદારોની શું હાલત હશે?