Sukhdev Singh Gogamedi Shot Dead: શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની મંગળવારે (5 ડિસેમ્બર) ધોળા દિવસે જયપુરમાં બદમાશો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બદમાશોએ ગોગામેડીને જયપુરમાં તેમના નિવાસસ્થાન પર નિશાન બનાવ્યા હતા, જેની જવાબદારી કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા રોહિત ગોદારાએ લીધી છે. રોહિતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા હત્યાનું કારણ પણ જાહેર કર્યું છે.


ગોગામેડી હત્યાની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ફાયરિંગની આ ઘટનામાં સુખદેવ સિંહનો બોડીગાર્ડ પણ ઘાયલ થયો છે. જ્યારે નવીન સિંહ શેખાવત નામનો હુમલાખોર ક્રોસ ફાયરિંગમાં માર્યો ગયો હતો.






સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ લખી


રોહિતે પોતાની પોસ્ટમાં લખ્યું, 'તમામ ભાઈઓને રામ રામ, હું રોહિત ગોદારા કપૂરસરી, ગોલ્ડી બ્રાર ભાઈઓ, અમે આજે સુખદેવ ગોગામેડીની હત્યાની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ, અમે આ હત્યા કરાવી છે. હું તમને કહેવા માંગુ છું કે તે આપણા દુશ્મનોને મળતા હતા અને તેમને સહકાર આપતા હતા, તેઓ તેમને સંપૂર્ણ રીતે મજબૂત કરતા હતા અને જ્યાં સુધી આપણા દુશ્મનોની વાત છે તો તેઓએ તેમના ઘરના દરવાજે પોતાની અર્થી તૈયાર રાખવી જોઈએ.



હત્યા સાથે જોડાયેલી ખાસ વાતો પર એક નજર 
 
રાજપૂત સમુદાયના સભ્યોએ જયપુરની એક હોસ્પિટલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું.
સુખદેવ સિંહ ગોગામેડીનો મૃતદેહ હોસ્પિટલની બહાર રાખવામાં આવ્યો હતો
સમર્થકોએ પોલીસ પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
રોહિત ગોદારા ગેંગે ગોગામેડીની હત્યાની જવાબદારી લીધી હતી.
ગુનો કરતી વખતે એક ગુનેગારનું પણ ગોળી વાગવાથી મોત થયું હતું.
રોહિતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા હત્યાનું કારણ જણાવ્યું હતું.
રોહિત ગોદારા, લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો છે. 


 આ હત્યાની ઘટના મામલે પોલીસ કમિશનરનું મોટુ નિવેદન સામે આવ્યું છે. પ્રાથમિક તપાસ બાદ તેમને જણાવ્યું કે ત્રણ લોકો બહારથી આવ્યા હતા. તેમને જાણ કરી કે અમારે મળવાનું છે. 10 મિનિટ સુધી વાત કરી અને પછી ફાયરિંગ શરૂ કરી દીધુ, આ ફાયરિંગમાં સુખદેવ સિંહનો બૉડીગાર્ડ પણ ઘાયલ થયો છે. હાલ તે આઈસીયુમાં દાખલ છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે જણાવ્યું કે નવીન સિંહ શેખાવત નામના હુમલાખોરનું ક્રૉસ ફાયરિંગમાં મોત થયું હતું, જે શાહપુરાનો રહેવાસી છે. જયપુર પાસે રહે છે. 3 હુમલાખોરોમાંથી એકનું મોત થયું છે. પોલીસે કહ્યું કે ટૂંક સમયમાં જ અમે અન્ય બેની પણ ઓળખ કરીશું અને આ પાછળના માસ્ટરમાઇન્ડને પણ પકડીશું.