દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ હજુ યથાવત છે. દરરોજ લાખોની સંખ્યામાં નવા કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવી રહ્યા છે. કોરોના વાયરસની બીજી લહેરમાં કેસની સંખ્યા ધીમેધીમે ઘટી રહી છે પરંતુ કેટલાક રાજ્યોમાં કોરોના વાયારસનું સંક્રમણ હાલ પણ યથાવત છે, જેના કારણે એ રાજ્યો લોકડાઉનને વધારી રહ્યા છે. 


વધતા કોરોના સંક્રમણને જોતા આંધ્ર પ્રદેશ સરકારે લોકડાઉન લંબાવ્યું છે. આંધ્ર પ્રદેશમાં 20 જૂન સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. લોકડાઉનમાં છૂટ આપવાના સમયમાં બે કલાક વધારવામાં આવી છે. આ પહેલા રાજ્યમાં 10 જૂન સુધી લોકડાઉન હતું અંગત કામ માટે છૂટછાટનો સમય સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીનો હતો.


આંધ્ર પ્રદેશમાં હવે 11 જૂનથી 20 જૂન સુધી લોકડાઉનને લંબાવવામાં આવ્યું છે અને છૂટછાટનો સમય સવારે 6 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. આ સિવાય રાજ્યમાં સરકારી કાર્યલયો ખોલવાનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણને જોતા રાજયમાં સરકારી કાર્યાલય સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.


રાજ્યમાં કેટલા કેસ ?


આંધ્ર પ્રદેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના 17.5 લાખથી વધુ દર્દીઓની પુષ્ટી થઈ છે. આ સિવાય એક્ટિવ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા રાજ્યમાં 1.23 લાખથી વધારે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 16.2 લાખથી વધુ દર્દીઓની સારવાર થઈ છે. 11400થી વધારે કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા છે. 


દેશમાં કોરોના વાયરસની સ્થિતિ


દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર હવે ધીમે ધીમે નબળી પડી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 1 લાખ 636 નવા કોરોના કેસ આવ્યા અને 2427 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 1 લાખ 74 હજાર 399 લોકો કોરોનાથી સાજા થયા છે.


 


સ્વાસ્થ્ય મંત્રાલયના છેલ્લા 24 કલાકના આંકડા અનુસાર વિતેલા 61 દિવસમાં સૌથી ઓછા કેસ નોંધાયા છે. આ પહેલા સૌથી ઓછા કેસ સાત એપ્રિલના રોજ આવ્યા હતા. ત્યારે એક જ દિવસમાં એક લાખ 15 હજાર કેસ નોંધાયા હતા. દેશમાં હાલમાં પોઝિટિવીટી રેટ 6.34 ટકા છે.