નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનું સંકટ હાલ સંપૂર્ણ રીતે ખતમ નથી થયું. દરોરજ કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યા છે. ઘણા લોકોના આ વાયરસના કારણે જીવ પણ જઈ રહ્યા છે. તેની વચ્ચે ઘણા રાજ્યોમાં લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના ઘણા રાજ્યોમાં કોરોના મહામારીના કારણે લોકડાઉન છે. 


કોરોના વાયરસના સંકટને રોકવા માટે ગોવા સરકારે કર્ફ્યૂ 7 જૂન સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. હવે ગોવામાં કોરોના વાયરસને લઈ સાત જૂન સવારે સાત વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. જ્યારે હિમાચલ પ્રદેશમાં પણ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સાત જૂન સુધી પ્રતિબંધોને લંબાવવામાં આવ્યા છે. 


ગોવામાં અત્યાર સુધીમાં કુલ પાંચ લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. રાજ્ય સરકારનું કહેવું છે કે રસીકરણ ઉત્સવથી તેને લાભાર્થીઓ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી પહોંચવામાં મદદ મળી છે. ગોવાની જનસંખ્યા 16 લાખ છે અને છેલ્લા એક મહિનામાં કોવિડ 19ના કેસમાં સતત વધારો થયો છે. 


સરકારી આંકડા અનુસાર રાજ્યમાં અત્યાર સુધી પાંચ લાખ લોકોને રસી (બીજી ડોઝ સહિત)અપાઈ છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું કે રસીકરણ ઉત્સવ 2ને લઈને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. પરંતુ અમે આમાં વધુમાં વધુ લોકોને સામેલ કરવા માંગીએ છીએ.  


દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ યથાવત છે. જોકે હવે ધીમે ધીમે નવા કેસની સંખ્યા ઘટી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી છે કે દેશમાં વિતેલા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,73790 લાખ કેસ સામે આવ્યા છે જે 45 દિવસમાં સૌથી ઓછા છે. દેશમાં વિતેલા 24 કલાકમાં બે લાખ 84 હજાર 601 દર્દી ઠીક થયા છે.


 


ગઈકાલે કોરોનાથી 3617 લોકોના મોત


 


સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં અત્યાર સુધી કોરોનાથી બે કરોડ 51 લાખ 78 હજાર 11 લોકો ઠીક થયા છે. દેશમાં હવે રિકવરી રેટ વધીને 90.80 ટકા થઈ ગયો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ હવે 9.84 ટકા થઈ ગયો છે જે સતત વિતેલા પાંચ દિવસમાં દસ ટકાથી ઓછો છે. દેશમાં ગઈકાલે કોરોનાથી 3617 લોકોના મોત થયા છે.