No-confidence Motion Against Speaker: વિપક્ષી પાર્ટીઓ લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે.  કોંગ્રેસના ઉચ્ચ સૂત્રોને ટાંકીને આ માહિતી સામે આવી છે. રાહુલ ગાંધીની લોકસભા સાંસદ તરીકેની સદસ્યતા ખતમ કરવા અને ગૃહમાં પક્ષપાત કરવા બદલ સોમવારે લોકસભાના અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે.



રાહુલ ગાંધીને ગુજરાતની સુરત કોર્ટ દ્વારા 2019ના માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યાના એક દિવસ બાદ શુક્રવારે લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. ચાર વખત સાંસદ રહી ચૂકેલા રાહુલ ગાંધી અયોગ્યતાના કારણે આઠ વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે સિવાય કે હાઈકોર્ટ સજા પર સ્ટે ન મૂકે. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળો આ મામલે સંસદમાં સતત હંગામો મચાવી રહ્યા છે અને સંસદની બહાર દેખાવો પણ થઈ રહ્યા છે.

સંસદના બજેટ સત્રના બાકી રહેલા સમય માટે વિરોધ પક્ષોએ નવી રણનીતિ ઘડી કાઢી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિપક્ષી પાર્ટીઓ સોમવારે લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. કોંગ્રેસના સાંસદોની બેઠકમાં આને લગતો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. કોંગ્રેસ આ મામલે અન્ય વિપક્ષી પાર્ટીઓ સાથે વાત કરી રહી છે.

કોંગ્રેસે સરકાર સામે મોરચો ખોલ્યો

કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે કહ્યું હતું કે, આ સરકાર અદાણી કૌભાંડ પર કંઈ સાંભળવા માંગતી નથી. આજે પણ અમે આ કૌભાંડની જેપીસી તપાસની માંગણી કરી હતી. જો સરકાર દોષિત નથી તો આ મુદ્દે જેપીસી બનાવવાથી કેમ ભાગી રહી છે?

તો કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીના તમામ સાંસદો અને નેતાઓ આજે સાંજે 7 વાગ્યે લાલ કિલ્લાથી ટાઉન હોલ સુધીની 'સેવ ડેમોક્રેસી મશાલ પીસ માર્ચ'માં ભાગ લેશે. આગામી 30 દિવસમાં બ્લોક, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની ભાગીદારી સાથે દેશભરમાં 'જય ભારત સત્યાગ્રહ'નું આયોજન કરવામાં આવશે.

આ પહેલા રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે સમાન વિચારધારા ધરાવતા પક્ષોના વિપક્ષના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તૃણમૂલ સહિત અન્ય પક્ષોએ ભાગ લીધો હતો, પરંતુ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેનાએ તેનો બહિષ્કાર કર્યો હતો. આ બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.

કોંગ્રેસે આ આક્ષેપો કર્યા હતા

કોંગ્રેસનો આરોપ છે કે, રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અદાણી મુદ્દે સંસદમાં તેમના આગામી ભાષણથી ડરી ગઈ હતી. બીજી તરફ ભાજપે કહ્યું છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવાનો લોકસભા સચિવાલયનો નિર્ણય નિયમો અનુસાર છે અને આ નિર્ણય પર સવાલ ઉઠાવવા એ બંધારણને નિશાન બનાવવા જેવું છે.

18 વિપક્ષી દળોએ બેઠક કરી હતી

આ સિવાય બજેટ સત્રની શરૂઆતથી જ વિરોધ પક્ષો અદાણી ગ્રૂપ સાથે સંબંધિત મામલામાં સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની રચનાની માંગ કરી રહ્યા છે. છેલ્લા દિવસે કોંગ્રેસ સહિત દેશની 18 વિપક્ષી પાર્ટીઓએ બેઠક યોજીને નિર્ણય લીધો હતો કે લોકશાહી બચાવવા માટે તમામ પક્ષો સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે અને અદાણી કેસમાં જેપીસીની માંગણી કરવાનું ચાલુ રાખશે.