નવી દિલ્હીઃ લોકસભાના કાર્યવાહી અનિશ્ચિત કાળ સુધી સ્થગિત થયા બાદ સ્પીકર ઓમ બિરલાએ બેઠક કરી હતી. જેમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધી, કોંગ્રસ સાંસદ અધીર રંજન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. પેગાસસ જાસૂસી કાંડ, તરમ કેન્દ્રીય કૃષિ કાયદાને પરત લેવાની માંગ સહિત અન્ય મુદ્દા પર વિપક્ષી દળોના શોરબકોરના કારણે માત્ર 22 ટકા જ કામ થયું હતું.


લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સવારે કાર્યવાહી શરૂ થવા પર જણાવ્યું કે, 17મી લોકસભાની છઠ્ઠી બેઠક 19 જુલાઈ 2021ના રોજ શરૂ થઈ હતી અને આ દરમિયાન 17 બેઠકમાં 21 કલાક 14 મિનિટ જ કામ થયું હતું. 96 કલાકમાં આશરે 75 કલાક કામ કાજ થયું નહોતું.






રાજ્યોને OBCની લિસ્ટિંગ કરવાનો અધિકાર આપનાર બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. મંગળવારે આ બિલ પર વોટિંગ કરવામાં આવ્યું. જેમાં બિલની તરફેણમાં 385 વોટ પડ્યા. જ્યારે તેના વિરુદ્ધમાં એક પણ મત ન પડ્યો. સામાજિક ન્યાય અને આધિકારિત મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે સોમવારે આ બિલ રજૂ કર્યું હતું. જેનું નામ સંવિધાન (127મું સંશોધન) ખરડો-2021 છે. બિલ પાસ થતાં જ લોકસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ. આ બિલને બંને ગૃહમાંથી મંજૂરી મળ્યા બાદ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર સામાજિક, શૈક્ષેણિક દ્રષ્ટીથી પછાત વર્ગો (SEBC)નું લિસ્ટિંગ કરી શકશે. રાજ્યોની આ શક્તિ સુપ્રીમ કોર્ટના મરાઠા અનામત મામલે આપવામાં આવેલા નિર્ણય બાદ ખતમ થઈ ગઈ હતી.


ગૃહમાં સતત વિરોધ કરી રહેલો વિપક્ષ આ મુદ્દે સરકારની સાથે જોવા મળ્યો. કાર્યવાહી દરમિયાન લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે અમે અન્ય પછાત વર્ગના કલ્યાણ સાથે સંબંધિત આ બિલને પાસ કરાવવા ઈચ્છીએ છીએ. અમે વિપક્ષની જવાબદારી સમજીએ છીએ. જેના પર મંત્રી વીરેન્દ્ર કુમારે કહ્યું કે વિપક્ષી દળોના શાસનવાળા રાજ્યોના મુખ્યમંત્રી પણ આ ખરડો લાવવાની માગ કરતા હતા. તો રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ કહ્યું હતું કે વિપક્ષ આ બિલનું સમર્થન કરશે.