Himanta Biswa Sarma On Love Jihad: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ફરી એકવાર દિલ્હીના ચકચારી શ્રદ્ધા હત્યા કેસને લઈને મોટું નિવેદન આપ્યું છે. હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે, લવ જેહાદ એક વાસ્તવિકતા છે અને શ્રદ્ધા વોકરની જઘન્ય હત્યા તેનો જીવતો જાગતો પુરાવો છે. હિમંતા બિસ્વા સરમા અગાઉ પણ કહી ચૂક્યા છે કે આ કેસમાં લવ જેહાદનો એક એંગલ છે જ. તેમને આકરા કાયદાની પણ તરફેણ કરી હતી. 


આસામના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, લવ જેહાદ રાષ્ટ્રીય દૃષ્ટિકોણથી એક વાસ્તવિકતા છે. શ્રદ્ધા હત્યા કેસમાં લવ જેહાદના પુરાવા છે. આફતાબના પોલીગ્રાફ ટેસ્ટમાં પણ ખુલાસો થયો છે કે આફતાબે કહ્યું હતું કે, શ્રદ્ધા હત્યાની હત્યા બદલ તેને ફાંસીની સજા આપવામાં આવે તો પણ તેને તેનો અફસોસ થશે નહીં કારણ કે જ્યારે તે સ્વર્ગમાં જશે ત્યારે તેને હૂર મળશે. હિમંતા બિસ્વાએ ઉમેર્યું હતું કે, લવ જેહાદ વિરુદ્ધ દેશમાં કડક કાયદાની જરૂર છે.


આફતાબ પર શ્રદ્ધાની હત્યાનો આરોપ


દિલ્હીના શ્રદ્ધા હત્યાકાંડે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. શ્રદ્ધા વોકર અને આફતાબ પૂનાવાલા આ વર્ષના મે મહિનામાં મુંબઈથી દિલ્હી શિફ્ટ થયા હતા. બંને લિવ-ઈનમાં રહેતા હતા. દિલ્હી આવ્યાના ત્રણ દિવસ બાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં આફતાબે શ્રદ્ધાની હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આફતાબે શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડા કરી દીધા હતા અને તેમના ભાડાના મકાનમાં ફ્રીજમાં રાખ્યા હતા. તે દરરોજ રાત્રે આ ટુકડાઓ શહેરમાં ફેંકવા જતો હતો.


આરોપીનો પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરયો


આ કેસમાં છોકરો અને છોકરી બંને અલગ-અલગ ધર્મના હોવાના કારણે મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. શ્રદ્ધા હત્યા કેસનો આરોપી આફતાબ હાલ પોલીસ કસ્ટડીમાં છે. બુધવારે તેનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને જ્યારે આજે આરોપીનો નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. બે દિવસ પહેલા પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન આફતાબને લઈ જતી પોલીસ વાન પર હુમલો થયો હતો. સશસ્ત્ર હુમલાખોરોએ દાવો કર્યો હતો કે તેઓ હિન્દુ સંગઠનના કાર્યકર્તા હતા.


ગયા મહિને જ આ મામલે એક કેન્દ્રીય મંત્રીના નિવેદન બાદ પણ હોબાળો થયો હતો. કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે કહ્યું હતું કે, આ ઘટનાઓ તે તમામ છોકરીઓ સાથે બની રહી છે જે વધુ પડતુ ભણેલી છે અને વિચારે છે કે તેઓ ખૂબ જ સ્પષ્ટ છે અને તેમના ભવિષ્ય વિશે નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે. આ નિવેદન બાદ ભારે હોબાળો થયો હતો.