નવી દિલ્હીઃ એલપીજી ગ્રાહકો માટે મોટા સમાચાર છે. મોદી સરકારે ગ્રાહકો કયા ડિસ્ટ્રીબ્યૂટર પાસેથી એલપીજી રિફિલ કરાવવા માગે છે તે નક્કી કરવાનો વિકલ્પ આપ્યો છે. પ્રથમ તબક્કામાં આ યોજના ચંદીગઢ, કોયંબટૂર, ગુડગાંવ, પુણે, રાંચીમાં શરૂ થશે. જે બાદ અન્ય સ્થળોએ શરૂ કરાશે. આ જાણકારી પેટ્રોલિયમ અને પાક્તિક ગેસ મંત્રાલયે આપી છે.


ઉજ્જવલા ગેસ યોજનાના માધ્યમથી મોદી સરકાર એલપીજીને છેવાડાના ગામડાઓ સુધી લઈ ગઈ છે. આવી સ્થિતિમાં ઘણી વખત રાત્રે સિલિન્ડર પૂરો થઈ જાય છે ત્યારે વિકલ્પ રહેતો નથી. શહેરોના વ્યસ્ત જીવનમાં, સિલિન્ડર ભરવાનો તરત પણ સમય મળતો નથી.






ઉજ્જવાલા સ્કીમ આધારે ગરીબી રેખાની નીચે આવનારા પરિવારને ફ્રીમાં રસોઈ ગેસ કનેક્શન આપવામાં આવે છે. મળતી માહિતી અનુસાર 31 જાન્યુઆરી 2021 સુધી આ સ્કીમમાં 83 મિલિયન એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે. ચાલુ વર્ષે બજેટની જાહેરાત અનુસાર એ રાજ્યોમાં નવા ગેસ કનેક્શન અપાશે જ્યાં તેની પહોંચ ઓછી છે.  આ યોજનાના લાભાર્થીઓનું લિસ્ટ સરકારને માટે મહત્વનું હોય છે કેમકે તેને આધાર માનીને સરકાર અનેક પ્રકારની યોજનાઓ અને લાભ જરૂરિયાત મંદને આપે છે. કોરોના લોકડાઉનમાં સરકારે  પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ યોજનાના આધારે દરેક લાભાર્થીને ફ્રીમાં 3 ગેસ સિલિન્ડર આપ્યા હતા. 


પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત 1 મે 2016થી થઈ છે. આ યોજનાના આધારે તમે એલપીજી કનેક્શન લો છો તો ગેસ સગડી સાથે કુલ ખર્ચ 3200 રૂપિયા થાય છે. તેમાં 1600 રૂપિયાની સબ્સિડી સીધી સરકારની તરફથી મળે છે. બાકી 1600 રૂપિયાની રકમ તેલ કંપનીઓ આપે છે. પરંતુ  ગ્રાહકોએ ઈએમઆઈના રૂપમાં આ 1600 રૂપિયાની રકમ તેલ કંપનીને ચૂકવવાની રહે છે.  સ્વચ્છ ઈંધણ, સારું જીવનના કેમ્પેન સાથે આ યોજના શરૂ કરાઈ છે. આ એક ધુમાડા રહિત  ગ્રામીણ ભારતની પરિકલ્પના છે. તેમાં 2019 સુધીમાં 5 કરોડ ગરીબ પરિવારની મહિલાઓને સસ્તા દરે એલપીજી કનેક્શન આપવાનું લક્ષ્ય રખાયું હતું. 


કોને મળશે  લાભ


ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માટે અરજદારની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ અને તે મહિલા હોય તે જરૂરી છે. અરજદાર એક બીપીએલ કાર્ડ ધારક ગ્રામીણ નિવાસી હોવો જરૂરી છે. મહિલા અરજદારની સબ્સિડી રકમ પ્રાપ્ત કરવા માટે દેશમાં કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકમાં બચત બેંક ખાતું હોવું જોઈએ. અરજદાર પરિવારના ઘરે પહેલાંથી એલપીજી કનેક્શન હોવું જોઈએ નહીં. 


કયા ડોક્યૂમેન્ટ જોઈશે


આ સ્કીમના આધારે અરજદારની પાસે બીપીએલ રાશન કાર્ડ હોવું જરૂરી છે. આ સિવાય પંચાયત પ્રધાન / નગરપાલિકા અધ્યક્ષ દ્વારા અધિકૃત બીપીએલ પ્રમાણપત્ર, એક ફોટો ઓળખપત્ર (આધાર કાર્ડ કે વોટર કાર્ડ) , અત્યારનો પાસપોર્ટ સાઈઝનો 1 ફોટો, જનધન ખાતું કે બેંક એકાઉન્ટનો નંબર વગેરે હોવા જરૂરી છે.