LPG gas supply 2026: વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે LPG ગેસ અને પેટ્રોલ-ડીઝલના સપ્લાયને લઈને બજારમાં અનેક અફવાઓ ઉડી રહી છે. જોકે, ગેસ સિલિન્ડરની અછતની આ અફવાઓ વચ્ચે સરકારે એક મોટું નિવેદન આપીને રાહતના સમાચાર આપ્યા છે. સરકારે જાહેર કરેલા નવા ડેટા મુજબ, દેશમાં LPG ગેસ સિલિન્ડરના ઓનલાઈન બુકિંગમાં મોટો ઉછાળો આવ્યો છે અને ઘરેલુ ગેસના સપ્લાયને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે રવિવારે પણ ડિલિવરી ચાલુ રાખીને ઘરેલુ ગેસની ડિલિવરી ઉદ્યોગના ધોરણો મુજબ 99 ટકા સુધી પહોંચાડી દેવામાં આવી છે, સાથે જ લોકો હવે પાઈપલાઈન વાળા PNG કનેક્શન તરફ પણ મોટી સંખ્યામાં વળી રહ્યા છે.

DAC કોડથી ડિલિવરીમાં થયો વધારો

Continues below advertisement
Continues below advertisement

ગેસની ડિલિવરીમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સરકારે હવે ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ (DAC) આધારિત ડિલિવરી વધારી દીધી છે. હવે આશરે 92 ટકા સિલિન્ડર ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવતા કોડના આધારે જ આપવામાં આવે છે. પેટ્રોલિયમ મંત્રાલયે ખાતરી આપતા કહ્યું છે કે, "ગ્રાહકોને ઘરેલુ ગેસની કોઈ જ અછત ન પડે તે માટે ઘણા LPG વિતરકો રવિવારે પણ કામ કરી રહ્યા છે."

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની શું છે સ્થિતિ?

વેપારીઓ માટે વપરાતા કોમર્શિયલ સિલિન્ડરની ફાળવણી પણ કટોકટી પહેલાના સ્તરના આશરે 70 ટકા સુધી વધારી દેવામાં આવી છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, 23 માર્ચ 2026 થી અત્યાર સુધીમાં 5 કિલોના 18.45 લાખથી વધુ ફ્રી ટ્રેડ LPG સિલિન્ડર વેચાયા છે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોમર્શિયલ ગેસનું વિતરણ યોગ્ય રીતે થાય તે માટે IOCL, HPCN અને BPCL ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરોની બનેલી ત્રણ સભ્યોની એક ખાસ કમિટી બનાવવામાં આવી છે. છેલ્લા 5 દિવસના આંકડા જોઈએ તો, દરરોજ સરેરાશ 7,000 મેટ્રિક ટનથી વધુ કોમર્શિયલ LPG નું વેચાણ થઈ રહ્યું છે.

લોકો હવે PNG કનેક્શન તરફ વળ્યા

સરકારી આંકડા એ પણ દર્શાવે છે કે લોકો હવે બાટલાની ઝંઝટ છોડીને પાઈપલાઈન ગેસ (PNG) અપનાવી રહ્યા છે. માર્ચ 2026 થી અત્યાર સુધીમાં 4.93 લાખથી વધુ ઘરોમાં PNG કનેક્શન શરૂ કરી દેવાયા છે. આ ઉપરાંત નવા 5.51 લાખ ગ્રાહકોએ કનેક્શન માટે નોંધણી પણ કરાવી લીધી છે. 19 એપ્રિલ સુધીના ડેટા મુજબ, આશરે 39,200 ગ્રાહકોએ તો MYPNGD.in વેબસાઈટ દ્વારા પોતાનું જૂનું LPG કનેક્શન જમા કરાવીને કાયમી ધોરણે PNG અપનાવી લીધું છે.