ઈંદોર: મિશન 2018ની  તૈયારી મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે અત્યારથી શરૂ કરી દીધી છે. જયલલિતાની જેમ હવે તેમણે મધ્યપ્રદેશમાં 10 રૂપિયામાં ભરપેટ ભોજન આપવાની યોજના પર વિચાર કરી રહ્યા છે. આ યોજનાનું એલાન આગામી 25 સપ્ટેમ્બરના રોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાયની 100મી જયંતિ પર થઈ શકે છે.


સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મુખ્યમંત્રીએ આ અંગે પંચમઢીમાં યોજાયેલી ચિંતન બેઠકમાં વાત કરી હતી. બેઠકમાં હાજર એક વરિષ્ઠ પદાધિકારીના જણાવ્યા અનુસાર સીએમએ આ યોજના અંગે સંગઠનમાં ચર્ચા કરી હતી. તેમનું કહેવું હતું કે સરકાર હાલ એક રૂપિયે કિલોના ભાવે ઘઉં અને ચોખા આપે છે. પણ જે લોકો આ યોજનાના દાયરામાં નથી આવતા તેમનો પણ વિચાર કરવો જોઈએ. જેથી સરકાર દિનદયાળ સહકારી થાળી યોજના શરૂ કરી શકે છે.

આ યોજના અંતર્ગત રાજ્યના ચાર મોટા શહેરોમાં સરકારી ભોજનાલય ખોલવામાં આવશે. જેમાં 10 રૂપિયામાં ભરપેટ ભોજન આપવામાં આવશે. હાલ જે વિચાર છે તે મુજબ આ થાળીમાં દાળ, રોટલી, શાક. ભાત, અને અથાણું આપવામાં આવશે. યોજના વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ સરકાર આ પ્રકારની યોજના શરૂ કરવા અંગે વિચાર કરી રહી છે.

એક વરિષ્ઠ અધિકારીએ જાણકારી આપી કે પ્રસ્તાવ તૈયાર થઈ રહ્યો છે. બજેટ ફાળવાયા બાદ આ યોજનાને 4 શહેરોમાં શરૂ કરવામાં આવશે. પછી જો આ યોજના સફળ રહી તો તેને આખા પ્રદેશમાં લાગુ પાડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 6 અને 7 સપ્ટેમ્બરના રોજ ભાજપની ચિંતન બેઠક થી હતી, જેમાં મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ શામેલ થયો હતો. નવેમ્બર 2018માં મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ તૈયારીઓ કરવામાં આવી રહી છે.