Madhya Pradesh New CM:  મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે. ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય  મોહન યાદવના નામની રાજ્યના મુખ્યમંત્રી તરીકે જાહેરાત કરવામાં આવી છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ, ભાજપ હાઈકમાન્ડે મનોહર લાલ ખટ્ટર, ડૉ. કે. લક્ષ્મણ અને આશા લાકરાને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા અને તેમને મુખ્યમંત્રીની પસંદગીની જવાબદારી સોંપી હતી. નિરીક્ષકોની હાજરીમાં સોમવારે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં મોહન યાદવનું નામ ફાઇનલ કરવામાં આવ્યું હતું. પાર્ટીએ સીએમની સાથે ડેપ્યુટી સીએમના નામની પણ જાહેરાત કરી છે. રાજેન્દ્ર શુક્લા અને જગબીર દેવડા ડેપ્યુટી સીએમ હશે. આ સિવાય નરેન્દ્ર સિંહ તોમર વિધાનસભાના સ્પીકર હશે.



  • મોહન યાદવે માધવ સાયન્સ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. 

  • તેમણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ઉજ્જૈનના મ્યુનિસિપલ મંત્રી તરીકે જવાબદારી નિભાવી છે. 

  • મોહન 1982માં વિદ્યાર્થી સંઘના સહ-સચિવ તરીકે પણ ચૂંટાયા હતા. 

  • તેઓ ભાજપની રાજ્ય કારોબારીના સભ્ય અને  મધ્ય પ્રદેશની કેન્દ્રીય સમિતિના સભ્ય, મધ્ય પ્રદેશ વિકાસ સત્તામંડળના વડા, પશ્ચિમ રેલવે બોર્ડમાં સલાહકાર સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા છે.

  • મોહન યાદવ ત્રીજી વખત ઉજ્જૈન દક્ષિણથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

  • મોહન યાદવ જુલાઈ 2020 થી 2023 સુધી શિક્ષણ મંત્રી હતા અને 2013 થી સતત ધારાસભ્ય છે.

  • તેમની છબી હિંદુ નેતા તરીકેની છે અને આરએસએસની નજીકના માનવામાં આવે છે.




વ્યક્તિગત માહિતી



  • આખું નામ: મોહન યાદવ

  • જન્મ તારીખ: 25 માર્ચ 1965

  • જન્મ સ્થળ: ઉજ્જૈન, મધ્ય પ્રદેશ

  • પિતાનું નામ: પૂનમચંદ યાદવ

  • માતાનું નામ: લીલાબાઈ યાદવ

  • જીવનસાથીનું નામ: સીમા યાદવ

  • શિક્ષણ: MBA, PhD


વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળી હતી 163 સીટ પર જીત


3 ડિસેમ્બરે મધ્યપ્રદેશમાં ચૂંટણીના પરિણામો જાહેર થયા અને આઠ દિવસ પછી પાર્ટી હાઈકમાન્ડે તેમનું નામ ફાઈનલ કર્યું. મોહન યાદવ મધ્યપ્રદેશના આગામી મુખ્યમંત્રી હશે. મધ્ય પ્રદેશમાં ભાજપને 163 સીટ પર જીત મળી હતી, જ્યારે કમલનાથના ચહેરા પર લડી રહેલી કોંગ્રેસ 66 સીટ પર સમેટાઈ ગઈ હતી.