ભોપાલઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ લગભગ ધીમું પડી રહ્યું છે, ત્યારે કેટલાય રાજ્યો દ્વારા કોરોના ગાઈડલાઇનમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. તેમજ સ્કૂલો પણ શરૂ કરવામાં આવી રહી છે. પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં ધોરણ 1થી 5ની સ્કૂલો ફરીથી શરૂ કરવામાં આવી છે. એક વિદ્યાર્થિની આલિયા અલીએ જણાવ્યું હતું કે, અમને ફરીથી સ્કૂલે આવીને ખૂબ જ સારુ લાગી રહ્યું છે. ભોપાલની સ્કૂલના પ્રિન્સિપલે કહ્યું હતું કે, સ્કૂલમાં કોરોનાના નિયમનું પાલન કરવામાં આવી રહ્યું છે. સ્કૂલો 50 ટકા કેપિસિટી સાથે શરૂ કરવામાં આવી છે.
બીજી તરફ, ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ ઘટતા સ્કૂલો શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં ધોરણ 6થી ઉપરના વર્ગોની સ્કૂલો શરૂ કરવામાં આવી છે. તેમજ અન્ય નિયંત્રણો પણ હળવા કરવામાં આવી રહ્યા છે. જોકે, હજુ સુધી ધોરણ 1થી 5ની સ્કૂલો શરૂ કરવામાં આવી નથી. જે તે સમયે પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આગામી દિવસોમાં પ્રાથમિક સ્કૂલો ખોલવા અંગે નિર્ણય લેવાની જાહેરાત કરી હતી. જોકે, હવે મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ બદલાઇ ગયું છે. ત્યારે હવે નવા શિક્ષણમંત્રી આ મુદ્દે શું નિર્ણય લેશે, તે જોવાનું રહ્યું.
ગુજરાતમાં આજે કોરોનાના નવા 8 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 15 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,505 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. આજે 2,52,407 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 136 કેસ છે. જે પૈકી 03 વેન્ટીલેટર પર છે, જ્યારે 133 નાગરિકો સ્ટેબલ છે. 8,15,505 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. જે સકારાત્મક બાબત કહી શકાય. સુરત કોર્પોરેશન 4, વડોદરા કોર્પોરેશન 2, વડોદરા 1, વલસાડ 1 કેસ નોંધાયો છે.
રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 36 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 2402 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 27792 નાગરિકોને રસીનો પ્રથમ અને 41624 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 72864 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 107689 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 2,52,407 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 5,66,87,540 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
અમદાવાદ, અમદાવાદ કોર્પોરેશન, અમરેલી, આણદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર,ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને તાપીમાં એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.