Mahakal Temple: ઉજ્જૈનમાં ભસ્મ આરતી દરમિયાન મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં આગ લાગી હતી. જેના કારણે ઘાયલ લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના સમયે અહીં હોળીની ઉજવણી ચાલી રહી હતી. જિલ્લા કલેક્ટર નીરજ કુમાર સિંહે કહ્યું છે કે, "ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન આગ લાગી હતી. આ ઘટનામાં 13 લોકો ઘાયલ થયા છે. તેઓની સારવાર ચાલી રહી છે." આ અંગે તપાસ કરવામાં આવશે. પ્રાથમિક તબક્કે આગ કયા કારણોસર લાગી તેની તપાસ કરવામાં આવશે.






 


મધ્યપ્રદેશના મહાકાલ મંદિરમાં સોમવારે સવારે ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં પાંચ પૂજારી પણ દાઝી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આરતી દરમિયાન ગુલાલ ઉડાડ્યા બાદ આગ લાગી હતી. ધૂળેટીના કારણે ગર્ભગૃહમાં એક કવર લગાવવામાં આવ્યું હતું, જેમાં આગ લાગી હતી. તમામ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે






ઉજ્જૈનના મહાકાલ મંદિરના પૂજારી આશિષ શર્માએ કહ્યું હતું કે , "મહાકાલ મંદિરમાં પરંપરાગત હોળીની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. ગુલાલને કારણે ગર્ભગૃહમાં આગ ફેલાઈ હતી. મંદિરના પૂજારી ઘાયલ થયા. અમે તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા છીએ.


મંદિરના ઘાયલ સેવકે જણાવ્યું હતું કે આરતી કરી રહેલા પૂજારી સંજીવ પર કોઇએ પાછળથી ગુલાલ ઉડાડ્યો હતો જે ગુલાલ દીવા પર પડતા આગ ફેલાઇ હતી. ગુલાલમાં કેમિકલ હોવાના કારણે આગ લાગી હોવાની શક્યતા છે. બીજી તરફ, ગર્ભગૃહની ચાંદીની દિવાલને રંગ અને ગુલાલથી બચાવવા માટે ત્યાં ફ્લેક્સ મુકવામાં આવ્યા હતા. તેમાં પણ આગ ફેલાઈ હતી.


તેમણે જણાવ્યું કે આગ લાગ્યા બાદ કેટલાક લોકોએ અગ્નિશામક સાધનો વડે આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં આરતી કરી રહેલા સંજીવ પૂજારી, વિકાસ, મનોજ, સેવાધારી આનંદ કમલ જોષી સહિત ગર્ભગૃહમાં હાજર 13 લોકો દાઝી ગયા હતા. આ મામલે કલેક્ટર નીરજ સિંહે કહ્યું કે આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ અંગે કમિટી તપાસ કરશે.