Remove Sharad Pawar NCP President : મહારાષ્ટ્રની રાજનીતિમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે અજિત પવાર જૂથે મોટો દાવો કર્યો છે. અજિત પવારના જૂથ અનુસાર શરદ પવારને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. અજિત પવાર પોતે હવે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે બિરાજમાન છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, 30 જૂને રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 


આ ઉપરાંત આજે દિવસભરની નંબર ગેમ અને શક્તિ પ્રદર્શનમાં અજિત પવારનું પલડું ભારે રહ્યું હતું. આ સાથે જ અજીત પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં તખ્તાપલટ કરી જ દીધો હતો. આ બદલાવ બાદ શરદ પવારને મોટો ઝટકો લાગ્યો છે. હવે એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, અજિત પવારના આ પગલા બાદ શરદ તરફી ધારાસભ્યો અને સાંસદો પણ પોતાનો પક્ષ બદલી શકે છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર NCPની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક 30 જૂને મુંબઈમાં યોજાઈ હતી. પ્રફુલ્લ પટેલ વતી આ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં શરદ પવારના સ્થાને અજિત પવારને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ઠરાવમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, પાર્ટી લોકોના કલ્યાણના ઉદ્દેશ્યથી દૂર જઈ રહી છે. ત્યાર બાદ ચૂંટણી પંચને અરજી મોકલવામાં આવી હતી.


'તમે 83 વર્ષના થયા છો, ક્યારે રોકશો?'


અગાઉ મંગળવારે બંને જૂથોની અલગ-અલગ બેઠક યોજાઈ હતી. જેમાં ઉગ્ર આક્ષેપ-પ્રતિઆક્ષેપ થયા હતા. NCPના 31 ધારાસભ્યો અજિત પવારની બેઠકમાં પહોંચ્યા હતાં અને દાવો કર્યો કે તેમને 42 ધારાસભ્યોનું સમર્થન છે.


આ દરમિયાન પોતાના સંબોધનમાં અજિત પવારે કાકા શરદ પવાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, પવાર સાહેબ તમે 83 વર્ષના છો. તમે ક્યારે અટકશો કે નહીં? અમે સરકાર ચલાવી શકીએ છીએ, અમારી પાસે સત્તા છે, તો પછી અમને તક કેમ નથી મળતી? કોઈ પણ ઘરમાં 60 વર્ષ પછી નિવૃત્ત થઈને આશીર્વાદનું કામ કરે છે, તો પછી તમે એ કેમ નથી કરતા?


"તકલીફ હોય તો વાત કરો"


જ્યારે શરદ પવારે કાર્યકર્તાઓને સંવાદમાં કહ્યું હતું કે, જો તમે કોઈ વાત સાથે સહમત ન હોવ તો વાતચીત કરીને ઉકેલ શોધવો જોઈએ. કાર્યકરોના કારણે એનસીપી અહીં પહોંચી હતી. આજની બેઠક ઐતિહાસિક છે. આજે દેશ આપણને જોઈ રહ્યો છે. આપણી પાર્ટીએ નવા નેતાઓ આપ્યા છે. જો તમે સહમત ન હોવ તો વાત કરીને ઉકેલ શોધો. ભૂલ સુધારવાનું કામ આપણું છે. હું પ્રજાની વચ્ચે છું, સત્તામાં નથી. જો પ્રક્રિયા લોકતાંત્રિક રીતે ચલાવવી હોય તો સંવાદ જરૂરી છે.


ઉલ્લેખનીય છે કે, અજિત પવારે રવિવારે NCP સામે બળવો કર્યો હતો. ત્યાર બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમની સાથે ભુજબળ સહિત NCPના અન્ય આઠ નેતાઓએ પણ શિવસેના-ભાજપ ગઠબંધન સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા હતા.


https://t.me/abpasmitaofficial