Maharashtra NCP Crisis: મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. પહેલા શુક્રવારે અજિત પવાર તેમના કાકા શરદ પવારને મળવા પહોંચ્યા હતા. આજે રવિવારે અજિત પવાર જૂથના ઘણા નેતાઓએ મુંબઈના વાયબી ચવ્હાણ સેન્ટરમાં શરદ પવાર સાથે મુલાકાત કરીને રાજકીય ઉત્સાહ વધાર્યો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, પ્રફુલ પટેલ, છગન ભુજબળ, દિલીપ વલસે પાટીલ અને અન્ય નેતાઓ એનસીપી વડાને મળ્યા હતા.


આ બેઠક બાદ પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે, આજે અમે બધા અમારા નેતા શરદ પવારને મળવા આવ્યા હતા અને તેમના આશીર્વાદ માંગ્યા હતા. અમારી ઈચ્છા છે કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે રહીને મજબૂતાઈથી આગળ વધે. આ માટે અમે શરદ પવારને આ દિશામાં વિચારવા કહ્યું હતું. શરદ પવારે કોઈ પ્રતિક્રિયા આપી નથી.


મુલાકાત દરમિયાન શું થયું? 


પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે, અમે સમય માંગ્યા વિના શરદ પવારને મળવા આવ્યા હતા. અમને માહિતી મળી હતી કે, પવાર સાહેબ વાયબી ચવ્હાણ સેન્ટરમાં છે. અમે પવાર સાહેબને વિનંતી કરી છે. અમને તેમના માટે ખૂબ માન છે. અજિત પવાર જૂથના નેતાઓ શરદ પવારને મળવા આવવાની માહિતી પર એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલ અને પાર્ટીના નેતા જિતેન્દ્ર આવ્હાડ પણ વાયબી ચવ્હાણ સેન્ટર પહોંચ્યા હતા.


અજિત પવાર શુક્રવારે શરદ પવારના નિવાસસ્થાન સિલ્વર ઓક પણ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, તેની કાકી બીમાર છે, તે તેને મળવા ગયા હતા. શરદ પવારના પત્ની પ્રતિભા પવારની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


આ બેઠક વિરોધ પક્ષોની બેઠક પહેલા જ થઈ


આ નેતાઓ શરદ પવારને એવા સમયે મળ્યા છે જ્યારે વિપક્ષી દળોની બેઠક માટે માત્ર બે દિવસ બાકી છે. આ વખતે કોંગ્રેસની અધ્યક્ષતામાં 18 જુલાઈએ બેંગલુરુમાં વિપક્ષી દળોની બેઠક યોજાવા જઈ રહી છે. બિહારના સીએમ નીતિશ કુમારની અધ્યક્ષતામાં 23 જૂને પટનામાં વિપક્ષી દળોની પ્રથમ બેઠક યોજાઈ હતી. જેમાં શરદ પવારે પણ ભાગ લીધો હતો. આ દરમિયાન 18મી જુલાઈએ જ એનડીએની બેઠક છે.


એનસીપીમાં ભારે ઉથલપાથલ વચ્ચે અજિત પવારનો જૂથ રવિવારે બપોરે શરદ પવારને મળવા પહોંચી ગયા હતાં. શરદ પવારને મળવા માટે NCPના નેતાઓ હસન મુશ્રીફ અને દિલીપ વાલસે પાટીલ મુંબઈના YB ચવ્હાણ સેન્ટર પહોંચ્યા. આ દરમિયાન એનસીપીના શરદ પવાર જૂથના નેતાઓ જયંત પાટીલ અને જિતેન્દ્ર આવ્હાડ પણ વાયબી ચવ્હાણ કેન્દ્ર પહોંચ્યા હતાં. એનસીપી શરદ પવાર જૂથના નેતા જયંત પાટીલે આ બેઠક પર કહ્યું હતું કે, મને સુપ્રિયા સુલેનો ફોન આવ્યો અને તેમણે મને વાયબીને મળવા કહ્યું હ્તું. વાયબી ચવ્હાણ કેન્દ્ર સુધી પહોંચવાનું કહ્યું કે, મને ખબર નથી કે અજિત પવાર અને અન્ય ધારાસભ્યો અહીં કેમ આવ્યા છે?