NCP Crisis: મહારાષ્ટ્રના રાજકારણમાં સ્થિતિ થાળે પડવાનું નામ જ નથી લઈ રહી. આજે ફરી એકવાર સતત બીજા દિવસે રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવાર અને તેમના જૂથના NCP ધારાસભ્યોએ મુંબઈમાં YB ચવ્હાણ સેન્ટરમાં પાર્ટી અધ્યક્ષ શરદ પવારને મળવા પહોંચી ગયા હતાં. શરદ પવાર પહેલેથી જ YB ચવ્હાણ સેન્ટરમાં હાજર હતા. શરદ પવાર જૂથના જિતેન્દ્ર આવ્હાડ, જયંત પાટીલ અને રોહિત પવાર પણ તેમને મળવા YB સેન્ટર પહોંચ્યા હતા. 


આમ સતત બીજા દિવસે અજીત પવાર અને તેમના જુથના નેતાઓ દ્વારા શરદ પવારની લેવાતી મુલાકાતે ફરી એકવાર રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચા જગાવી છે. આ મામલે અજિત પવાર કેમ્પના નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે, આજે અજિત પવાર, સુનીલ તટકરે અને હું વાયબી ચવ્હાણ સેન્ટરમાં શરદ પવારને મળ્યા હતા. અમે તેમને ફરીથી એનસીપીને એક રાખવાની વિનંતી કરી હતી અને તેમણે અમારી વાત સાંભળી હતી, પરંતુ તેમણે કંઈ કહ્યું નહોતું


આ પહેલા ગઈ કાલે રવિવારે અજિત પવાર, છગન ભુજબલ, અદિતિ તટકરે, હસન મુશ્રીફ, ધનંજય મુંડે, દિલીપ વલસે પાટીલ, સુનીલ તટકરે, સંજય બંસોડડે અને પ્રફુલ પટેલ શરદ પવારને અચાનક જ મળવા પહોંચી ગયા હતા. બીજી બાજુ મહાવિકાસ આઘાડીની બેઠક ચાલી રહી હતી. મહારાષ્ટ્ર એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલ અને જિતેન્દ્ર આવ્હાડ (શરદ પવાર જૂથ)ને જાણ થતાં જ અજિત પવાર જૂથ પાર્ટીના વડાને મળવા આવ્યા છે, તેઓ પણ તરત જ મીટિંગ અધવચ્ચે છોડીને શરદ પવારને મળવા YB ચવ્હાણ સેન્ટર પહોંચી ગયા હતાં.


શું છે સમગ્ર મામલો?


અજિત પવાર કેમ્પની શરદ પવાર સાથેની મુલાકાત અંગેના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે શરદ પવારે માત્ર અજિત પવાર કેમ્પના મંત્રીઓ સાથે બેઠક કરી હતી. ત્યાર બાદ શરદ પવારના સમર્થક ધારાસભ્યોમાં બેચેની જોવા મળી હતી. જેને લઈને ધારાસભ્યોએ પાર્ટી ચીફને સવાલ કર્યો હતો કે, તમે અમને વિશ્વાસમાં લીધા વગર જ મંત્રીઓને કેમ મળ્યા?


બેઠક દરમિયાન, અજિત પવાર કેમ્પને ટેકો આપતા ધારાસભ્યોએ કહ્યું હતું કે, મંત્રીઓને સહાનુભૂતિ મળશે પરંતુ ધારાસભ્યોને પોતપોતાના મતવિસ્તારમાં મતદારોના ગુસ્સાનો સામનો કરવો પડશે. વિધાન ભવનમાં મળેલી બેઠકમાં ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી. એટલા માટે અજિત પવાર અને પ્રફુલ્લ પટેલ તમામ ધારાસભ્યો સાથે બીજી વખત શરદ પવારને મળવા YB ચવ્હાણ સેન્ટર પહોંચ્યા છે.


અજિત પવાર સતત શરદ પવારને મળ્યા


આ પહેલા શુક્રવારે અજિત પવાર તેમના કાકા શરદ પવારના નિવાસ સ્થાન સિલ્વર ઓક પહોંચ્યા હતા. અજિત પવાર તેમની કાકી પ્રતિભા પવારની હાલત જાણવા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 2 જુલાઈના રોજ અજિત પવાર એનસીપીમાં ઘણા ધારાસભ્યો સાથે બળવો કરીને ભાજપ-એકનાથ શિંદે ગઠબંધન સરકારમાં જોડાયા હતા. ત્યાર બાદ વારંવારની બેઠકોથી મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વધી ગઈ છે.


ચોમાસુ સત્ર પહેલા હલચલ તેજ


મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસુ સત્ર સોમવાર (17 જુલાઈ)થી શરૂ થઈ રહ્યું છે. સત્રમાં ભાગ લેનારા NCPના 24 ધારાસભ્યોમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, કેબિનેટ પ્રધાનો છગન ભુજબળ, દિલીપ વાલસે પાટીલ, હસન મુસારીફ, અદિતિ તટકરે, સંજય બંસોડ, ધનંજય મુંડે, અનિલ પાટીલ અને ધર્મરાવ આત્રમ શાસક પક્ષ માટે અનામત બેઠકો પર બેઠા હતા.


અજિત પવારને સમર્થન આપનારા અને ગૃહમાં હાજર રહેલા ધારાસભ્યોમાં બબનરાવ શિંદે, ઈન્દ્રનીલ નાઈક, પ્રકાશ સોલંકે, કિરણ લહમતે, સુનીલ શેલ્કે અને સરોજ આહિરેનો સમાવેશ થાય છે.


https://t.me/abpasmitaofficial