મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે જાહેરાત કરી કે રાજ્યમાં તમામ ધાર્મિક સ્થળો 7 ઓક્ટોબરથી કોવિડ -19 પ્રોટોકોલ સાથે ખુલશે. આ પગલું કોરોનાની બીજી લહેરના અંત થવાના સંકેતો વચ્ચે લેવામાં આવ્યું છે.


આની જાહેરાત કરતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને અપીલ કરી છે કે તેઓ કોવિડ -19 મહામારીની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સલામતીનાં યોગ્ય પગલા લે અને એ પ્રમાણે વ્યવહાર કરે. તેમણે કહ્યું કે, "રાજ્યમાં તમામ ધાર્મિક સ્થળો 7 ઓક્ટોબરથી ખુલશે. મહારાષ્ટ્ર સરકારે ત્રીજી લહેર માટે તૈયારી કરી છે, પરંતુ સાવચેતી રાખીને રાજ્ય સરકાર વિવિધ પ્રવૃત્તિઓમાં છૂટછાટ આપી રહી છે.”


મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં ચેપના કેસ ઘટી રહ્યા છે પરંતુ કોરોના વાયરસનો ખતરો યથાવત છે. તેમણે કહ્યું, "ભલે કોવિડ -19 ના દૈનિક કેસો ઘટી રહ્યા છે પરંતુ દરેક વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ અને કોવિડ -19 પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ."


ઠાકરેએ કહ્યું, "ધાર્મિક સ્થળો ખોલવા જઈ રહ્યા છે, લોકોએ માસ્ક પહેરવા જોઈએ અને હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. આવા પગલાંની ખાતરી કરવા માટે મંદિરોનું સંચાલન જવાબદાર રહેશે.”


મહારાષ્ટ્રમાં કોવિડ -19 ના 3,286 નવા કેસ, વધુ 51 દર્દીઓના મોત


શુક્રવારે, મહારાષ્ટ્રમાં કોવિડ -19 ના 3,286 નવા કેસ નોંધાયા હતા જ્યારે 51 મૃત્યુ નોંધાયા હતા. આ સાથે, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 65,37,843 લોકો કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે, જેમાંથી 1,38,776 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 24 કલાક દરમિયાન, ચેપ મુક્ત થયા બાદ 3,933 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. રાજ્યમાં અત્યાર સુધી રોગચાળાને હરાવનારા લોકોની સંખ્યા વધીને 63,57,012 થઈ ગઈ છે. હાલ રાજ્યમાં 39,491 દર્દીઓ સારવાર હેઠળ છે.


ભારતમાં કોરોના એક્ટિવ કેસો ઘટીને લગભગ ત્રણ લાખ પર આવી ગયા છે. શુક્રવારે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 31,382 નવા કોરોના કેસ આવ્યા અને 318 કોરોના સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો. તે જ સમયે, 32,542 લોકો પણ 24 કલાકમાં કોરોનાથી સાજા થયા છે, એટલે કે 1478 એક્ટિવ કેસ ઘટ્યા છે.