મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોવિડ ટાસ્ક ફોર્સની ટીમ સાથેની બેઠકમાં નક્કી કર્યું છે કે રાજ્યમાં રેસ્ટોરાં અને દુકાનોની સમયમર્યાદા વધારવામાં આવશે. આ સાથે, એમ્યૂઝમેન્ટ પાર્ક પણ શરૂ કરવામાં આવશે. કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ  રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. આ સિવાય મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ આ બેઠકમાં અધિકારીઓને બાળકોને રસીકરણની તૈયારીઓ કરવા સૂચના આપી છે.


મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે કહ્યું કે રાજ્યમાં થિયેટરો અને સિનેમા હોલ સુરક્ષા તપાસ બાદ ખોલવા જોઈએ. રાજ્યમાં સિનેમા હોલ અને થિયેટરો 22 ઓક્ટોબરથી ખુલશે. અહીં 'સિનેમા ઓનર્સ એન્ડ એક્ઝિબિટર્સ એસોસિયેશન' ના પદાધિકારીઓ સાથેની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સિંગલ સ્ક્રીન સિનેમા હોલની આર્થિક સમસ્યાઓ ઉકેલવા માટે નાણાં વિભાગ સાથે યોગ્ય ઉકેલ શોધવામાં આવશે.


હાલમાં અમ્યૂઝમેન્ટ પાર્ક વિશે નિર્ણય લેવામાં આવ્યો છે કે ખુલ્લી જગ્યામાં રાઈડ્સ શરૂ થશે. પાણીની રાઈડ્સ બાબતે પાછળથી નિર્ણય લેવામાં આવશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કોરોના ટાસ્ક ફોર્સ સાથેની બેઠકની અધ્યક્ષતા કરી હતી.


મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આ નિર્ણય બાદ રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ વધુમાં જણાવ્યું હતું કે, મુંબઈમાં રેસ્ટોરાં, હોટલ અને દુકાનોને રાત્રે 12 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી છે. એટલું જ નહીં, છેલ્લો ઓર્ડર રાત્રે 1 વાગ્યા સુધી હોટલોમાં લઈ શકાશે. પરંતુ આ છૂટ માત્ર મુંબઈ માટે છે. બાકીના મહારાષ્ટ્રમાં સ્થાનિક વહીવટીતંત્રને અધિકાર આપવામાં આવ્યો છે. એટલે કે, સ્થાનિક વહીવટ નક્કી કરશે કે, કેટલા સમય સુધી દુકાનો, રેસ્ટોરન્ટને ખુલ્લા રહેશે. 


કોરોના સિવાય ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોનો પ્રકોપ પણ વધ્યો છે. આને જોતા મુખ્યમંત્રીએ બેઠકમાં નિર્દેશ આપ્યો હતો કે, આ રોગોની સારવાર માટે હોસ્પિટલોમાં સંપૂર્ણ તૈયારીઓ રાખવી જોઈએ. મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘સારી બાબત છે કે પ્રતિબંધોમાં છૂટછાટ હોવા છતાં કોરોના સંક્રમણમાં ઘટાડો થયો છે. સિનેમા હોલ, થિયેટરો 22 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યા છે. હોટલ, રેસ્ટોરન્ટ અને દુકાનોનો સમય વધારવાની સતત માંગણીઓ કરવામાં આવી રહી છે. તેથી આ સંદર્ભમાં માર્ગદર્શિકાઓ બનાવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.