મુંબઈ: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આવતીકાલે મંત્રીમંડળનું વિસ્તરણ કરવાના છે. આ શપથ સમારોહમાં શિવસેના, એનસીપી અને કૉંગ્રેસના કુલ 36 મંત્રીઓના શપથ લઈ શકે છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર શપથ સમારોહમાં શિવસેનાના 13, એનસીપીના 13 અને કૉંગ્રેસના 10 મંત્રીઓ શપથ લેશે.


શિવસેનાના 10 કેબિનેટ મંત્રી હશે અને 3 રાજ્ય મંત્રી હશે. એનસીપીના 10 કેબિનેટ મંત્રી હશે અને 3 રાજ્ય મંત્રી હશે. કૉંગ્રેસના 8 કેબિનેટ મંત્રી હશે અને બે રાજ્ય મંત્રી હશે.

28 નવેમ્બરના શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ શિવાજી પાર્કમાં શપથ લીધા હતા ત્યારે તેમની સાથે 6 મંત્રીઓએ શપથ લીધા હતા. જેમાં એનસીપીના છગન ભુજબળ અને જયંત પાટીલ, કૉંગ્રેસના બાલાસાહેબ થોરાટ અને નિતિન રાવત અને શિવસેના તરફથી એકનાથ શિંદે અને સુભાષ દેસાઈ હતા. પહેલા માનવામાં આવી રહ્યું હતું કે મંત્રીમંડળનું વિસ્તરણ વિધાનસભાના શિયાળુસત્ર પહેલા થશે પરંતુ તે ન બન્યું. બાદમાં 23 ડિસેમ્બરના શપથ વિધીની તારીખ નક્કી કરાઈ પરંતુ ત્યારે પણ મંત્રીમંડળનું વિસ્તરણ ન થઈ શક્યું.