Sanjay Raut over PM Modi Successor: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નાગપુર મુલાકાતને લઈને શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતના નિવેદને એક અલગ જ વાતાવરણ ઉભુ કર્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી રવિવારે (30 માર્ચ) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતને સંદેશ આપવા માટે નાગપુર ગયા હતા કે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે અને પીએમ મોદીના ઉત્તરાધિકારી મહારાષ્ટ્રમાંથી આવશે.
તેમના આ દાવાઓને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ફગાવી દીધા હતા. તેમણે કહ્યું, "મોદી આગામી ઘણા વર્ષો સુધી દેશનું નેતૃત્વ કરતા રહેશે."
દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું કે, "આગામી ચૂંટણી (2029)માં પણ આપણે મોદીને ફરીથી વડાપ્રધાન તરીકે જોશું." તેના ઉત્તરાધિકારીની તલાશ કરવાની જરૂર નથી. તેઓ (મોદી) અમારા નેતા છે અને પદ પર રહેશે.
...તે મુઘલ સંસ્કૃતિ છે- દેવેન્દ્ર ફડણવીસ
મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસે કહ્યું, "નેતાના સક્રિય રહેતા તેમના ઉત્તરાધિકારી પર ચર્ચા કરવી ભારતીય સંસ્કૃતિમાં અયોગ્ય છે. તેઓ (જેની વાત કરી રહ્યા છે) તે મુઘલ સંસ્કૃતિ છે. હજુ તેના પર ચર્ચા કરવાનો સમય નથી આવ્યો."
જ્યારે આરએસએસના વરિષ્ઠ નેતા સુરેશ ભૈયાજી જોશીએ પણ કહ્યું કે તેમને પ્રધાનમંત્રીના નિવૃત્તિ લેવા વિશેની કોઈ ચર્ચાની જાણકારી નથી.
શિવસેનાના નેતા સંજય રાઉતે શું કહ્યું ?
શિવસેના (UBT) રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું, " સપ્ટેમ્બરમાં નિવૃતિની એપ્લીકેશન લખવા માટે કદાચ તેઓ આરએસએસના મુખ્યાલયમાં ગયા હતા." તેઓ 10-12 વર્ષમાં ક્યારેય RSS હેડક્વાર્ટર ગયા નથી, મોહન ભાગવતને પીએમ મોદી બતાવવા ગયા હતા કે હું જાઉં છું."
તેમણે કહ્યું કે, "બે વાત છે કે સંઘ પરિવાર દેશના નેતૃત્વમાં બદલાવ ઈચ્છે છે. પીએમ મોદીનો સમય પૂરો થઈ ગયો છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ તેમની ઈચ્છા મુજબ પસંદ કરવા માંગે છે. એટલા માટે પીએમ મોદી ત્યાં ગયા. પીએમ મોદી જઈ રહ્યા છે."
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 વર્ષ બાદ પ્રથમ વખત રવિવારે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલયની મુલાકાત લીધી હતી. આ દરમિયાન આરએસએસના વડા મોહન ભાગવત અને સીએમ દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા.