Eknath Shinde Meets Amit Shah: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે(maharashtra cm eknath shinde) અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે(Devendra fadnavis) શુક્રવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit shah)સાથે મુલાકાત કરી હતી. મીટિંગની તસવીર શેર કરતા અમિત શાહે કહ્યું, “મહારાષ્ટ્રના નવનિયુક્ત મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા અને તેમને શુભેચ્છા પાઠવી. મને ખાતરી છે કે પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તમે બંને સંપૂર્ણ નિષ્ઠાથી લોકોની સેવા કરશો અને મહારાષ્ટ્રને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જશો.
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ આવતીકાલે સાંજે લગભગ 4.30 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. બંને નેતાઓ જેપી નડ્ડા અને રાજનાથ સિંહને પણ મળી શકે છે. મળતી માહિતી મુજબ, એકનાથ શિંદે અને ફડણવીસ જાણીતા વકીલ હરીશ સાલ્વે સાથે પણ મુલાકાત કરી શકે છે.
SCની સુનાવણી 11 જુલાઈએ
તમને જણાવી દઈએ કે શિંદે અને તેમના જૂથના 15 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની માંગ કરતી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેના જૂથની અરજી પર 11 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થવાની છે. શુક્રવારે શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે 11 જુલાઈનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય માત્ર શિવસેના જ નહીં પરંતુ ભારતીય લોકશાહીનું ભવિષ્ય પણ નક્કી કરશે.
એકનાથ શિંદેએ ગયા મહિને શિવસેનામાં બળવો કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (MVA) સરકાર પડી ગઈ. ઠાકરેના રાજીનામા પછી, શિંદેએ 30 જૂને ભાજપના સમર્થન સાથે મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કર્યું છે. એટલે કે સરકાર બહુમત સાબિત કરવામાં સફળ રહી છે. વિધાનસભામાં 164 ધારાસભ્યોએ એકનાથ શિંદેને સમર્થન આપ્યું હતું. સ્પીકરના મતની ગણતરી કરવામાં આવી ન હતી, નહીં તો આ મતોની સંખ્યા 165 થઈ ગઈ હોત.