મુંબઈઃ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી કોરોના થાતા હોસ્પિટલમાં દાખલ થયા છે. ભગતસિંહ HN Reliance હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ ગયા છે.  સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી સમાચાર આપ્યા છે કે, કોશિયારીને કોરોનાની સારવાર માટે HN Reliance હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 






મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે રાજ્ય સરકારના મંત્રી એકનાથ શિંદેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી. બંને વચ્ચે લગભગ 15 મિનિટ વાત થઈ. બંને વચ્ચેની વાતચીત શિવસેનાના નેતા મિલિંદ નાર્વેકરના ફોન પર થઈ હતી, જેઓ સુરતની એક હોટલમાં એકનાથ શિંદે અને બળવાખોર ધારાસભ્યોને મળવા ગયા હતા. આ દરમિયાન એકનાથ શિંદેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે ઘણી માંગણીઓ મૂકી. એકનાથ શિંદેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને શિવસેના અને ભાજપ સાથે મળીને સરકાર બનાવવાનું કહ્યું હતું.


શિંદેએ કહ્યું કે મેં કોઈ પક્ષ વિરોધી પગલું નથી ભર્યું તો પછી મને ગ્રુપ લીડરના પદ પરથી કેમ દૂર કરવામાં આવ્યો. શિવસેના છોડવાનો મારો કોઈ વિચાર નથી, હું બાળાસાહેબ ઠાકરેનો સાચો શિવસૈનિક હતો અને રહીશ. એકનાથ શિંદેએ પણ શિવસેનાના નેતા સંજય રાઉત અંગે પોતાની ફરિયાદ નોંધાવી હતી. રાઉતે મીડિયામાં કહ્યું હતું કે તમારે વાત કરવી હોય તો મુંબઈ આવો. શિવસેના કોઈપણ પ્રસ્તાવ પર વાત નહીં કરે. શિંદેએ કહ્યું કે સવારથી સંજય રાઉત સાથે ત્રણથી ચાર મીટિંગ કરી છે. વ્યક્તિઓ અલગ-અલગ વાત કરે છે અને મીડિયામાં આવ્યા પછી અલગ બોલે છે, આવું કેમ?