મુંબઇઃ મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કોરોના નિયંત્રણોમાં અનેક ફેરફાર કર્યા છે. નવી ગાઇડલાઇન્સ અનુસાર બ્યૂટી પાર્લરને સલૂન સાથે જોડવામાં આવશે અને 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. જિમ પણ 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. કોરોનાની રસીના બંન્ને ડોઝ લીધા હોય તેમને જ પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. નવી ગાઇડલાઇન 10 જાન્યુઆરીથી લાગુ કરાશે.


નવી ગાઇડલાઇન અનુસાર મહારાષ્ટ્રમાં રાત્રે 11 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ રહેશે. સવારે પાંચથી રાત્રે 11 વાગ્યા સુધી કલમ 144 લાગુ રહેશે. એટલે કે દિવસમાં એક સાતે એક જ સ્થળ પર પાંચ કે તેથી વધુ લોકો એકઠા થઇ શકશે નહી. નવા પ્રતિબંધો અનુસાર સ્કૂલ અને કોલેજ આજથી 15 ફેબ્યુઆરી  સુધી બંધ કરી દેવામાં આવશે. મેદાન, ગાર્ડન, ટુરિસ્ટ પ્લેસ, સ્વિમિંગ પુલ, સ્પા, વેલનેસ સેન્ટર આગામી આદેશ સુધી બંધ રહેશે. મ્યૂઝિયમ, એન્ટરટેઇમેન્ટ પાર્ક પણ બંધ રહેશે.


સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે તે સિવાય આવશ્યક સેવાઓ સિવાય લોકો રાત્રે 11 વાગ્યાથી સવારે પાંચ સુધી લોકોના અવરજવર પર પ્રતિબંધ રહેશે. રાજ્યમાં થોડા અપવાદો સિવાય શાળાઓ, કોલેજો અને કોચિંગ સંસ્થાઓ 15 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફક્ત વેક્સિન લેનારા લોકોને જ મુસાફરી કરવા દેવામાં આવશે. નવા નિયમ પ્રમાણે થિયેટરો 50 ટકાની ક્ષમતા સાથે જ ચાલું રાખી શકાશે અને રાત્રે 10 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી બંધ રહેશે. પ્રાઈવેટ ઓફિસો પણ 50 ટકા સ્ટાફ સાથે કાર્યરત રહી શકશે. તેમાં પણ જે કર્મચારીઓએ વેક્સિનના બંને ડોઝ લીધા છે તેમને જ મંજૂરી આપવામાં આવશે. લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોએ વધુમાં વધુ 50 અને અંતિમક્રિયામાં 20 લોકોને જ મંજૂરી મળશે.