NCP Political Crisis: NCPમાં ચાલી રહેલી રાજકીય ઉથલ પાથલ વચ્ચે હવે શરદ પવારના એક સમયના ખાસ વિશ્વાસુ છગન ભુજબળનું મોટું નિવેદન સામે આવ્યું છે. ગઈકાલે શરદ પવારે નાસિકમાં રેલી કરી હતી. જેને લઈને બરાબરના છંછેડાયેલા ભુજબળનું રેલીને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. આ સાથે જ છગન ભુજબળે અનેક સનસની ખુલાસા કરવાની ધમકી ઉચ્ચારી છે. એનસીપીમાં બળવો કેમ થયો તેને લઈને પણ છગન ભૂજબળે શરદ પવારને આત્મમંથનની સલાહ આપી છે.
શરદ પવાર પર સીધો પ્રહાર કરતા અજીત પવાર જુથના છગન ભુજબળે કહ્યું હતું કે, હું ઓબીસી છું, તેથી જ શરદ પવારે સૌથી પહેલા મારા મતવિસ્તારમાં રેલી કરી હતી. NCP અધ્યક્ષ અજિત પવારના વિસ્તારમાં કેમ ન ગયા? જાહેર છે કે, શરદ પવારે ગઈ કાલે નાસિકમાં એક રેલી કરી હતી.
આ સાથે જ છગન ભુજબળે એનસીપી અધ્યક્ષને ચેતવણી આપતા કહ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં ઘણા મોટા ખુલાસા કરશે. તેઓ નાસિકમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા તે દરમિયાન તેમણે આ વાત કહી હતી.
છગન ભુજબળે શરદ પવારને આપ્યો જવાબ
એનસીપી નેતા અજિત પવારના બળવા બાદ એનસીપીમાં ભાગલા પડી ગયા છે. ત્યાર બાદ અજિત પવાર જૂથ અને શરદ પવાર જૂથ સામે સામસામે આવી ગયું છે. આ દરમિયાન શરદ પવારે પાર્ટીને ફરીથી બેઠી કરવા માટે રાજ્યનો પ્રવાસ શરૂ કરી દીધો છે. આ પૃષ્ઠભૂમિમાં શરદ પવારે છગન ભુજબળના ગઢ ગણાતા યેવલામાં સભા યોજી હતી. ગઈકાલની સભામાં શરદ પવારે છગન ભુજબળની ટીકા કરી હતી. જેનો આજે ભુજબળે વળતો જવાબ આપ્યો હતો. NCPમાં બળવા અંગે વાત કરતાં ભુજબળે પવારને એવું કેમ થયું તે અંગે વિચારવાની સલાહ આપી છે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં અજિત પવારે NCP સામે બળવો કર્યો હતો અને અલગ જૂથ બનાવીને NDAમાં જોડાઈ ગયા હતાં. અજિત પવાર એનડીએમાં જોડાતાની સાથે જ તેમણે સૌપ્રથમ નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા અને તેમની સાથે ઘણા ધારાસભ્યોએ પણ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા હતાં. એનસીપીના ઘણા મોટા નેતાઓએ પાર્ટી છોડવાના કારણે પ્રમુખ શરદ પવારને મોટો ઝટકો લાગ્યો છે.