મહારાષ્ટ્રના વરુડ-મોર્શીથી અપક્ષ ધારાસભ્ય દેવેન્દ્ર ભુયારે તાજેતરમાં એક નિવેદન આપ્યું છે, જે હવે વિવાદનો વિષય બની ગયું છે. બુધવારે એક કાર્યક્રમમાં બોલતા ભુયારે કહ્યું કે "સુંદર છોકરીઓ ખેડૂતોના પુત્રો સાથે લગ્ન કરતી નથી," કારણ કે તેઓ એવા પુરુષોને પસંદ કરે છે જેમની પાસે કાયમી નોકરી હોય. ભુયાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારનું સમર્થન કરે છે અને તેમણે તેમના વિસ્તાર વરુડ તાલુકામાં ખેડૂતોની સમસ્યાઓ પર બોલતા આ નિવેદન આપ્યું હતું.


સભાને સંબોધતા ભુયારે કહ્યું હતું કે, એક સુંદર છોકરી મારા અને તમારા જેવા વ્યક્તિ સાથે લગ્ન નહીં કરે. તેમણે દાવો કર્યો હતો કે આવી છોકરીઓ નોકરી કરતો પતિ પસંદ કરે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જે છોકરીઓ બીજા નંબર પર છે એટલે કે થોડી સુંદર લાગે છે તે કોઇ એવા વ્યક્તિને પસંદ કરે છે જે કરિયાણા કે પાનની દુકાન ચલાવતો હો. તેમણે કહ્યું હતુ કે ત્રીજા નંબરની છોકરીઓ એક ખેડૂતના દીકરા સાથે લગ્ન કરશે. જે છોકરીઓ ઓછી સુંદર છે તે ખેડૂતના પુત્ર સાથે લગ્ન કરશે. આ પ્રકારના લગ્નથી થતા બાળકોનો દેખાવ પણ સામાન્ય હોય છે.


આ નિવેદન બાદ સમાજના અનેક વર્ગો તરફથી તીખી પ્રતિક્રિયાઓ આવી છે. કોંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મહિલા અને બાળ વિકાસ મંત્રી યશોમતી ઠાકુરે ભુયારના આ નિવેદનની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું, "અજિત પવાર અને સત્તામાં રહેલા લોકોએ તેમના ધારાસભ્યોને નિયંત્રિત કરવા જોઈએ. મહિલાઓ પ્રત્યે આવી અપમાનજનક ભાષાને સહન કરવામાં આવશે નહીં. સમાજ તેનો સખત જવાબ આપશે."


આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો છે અને એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે શું સમાજમાં મહિલાઓ અને ખેડૂતો પ્રત્યેના આવા વિચારોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સમાજને આગળ વધવા માટે એ જરૂરી છે કે આપણે આવી માનસિકતાને પડકારીએ અને દરેક પ્રત્યે સમાન આદર અને સન્માન કરીએ.                                    


Dahod: દાહોદ દૂષ્કર્મ કેસમાં તપાસ તેજ, પોલીસે કોર્ટમાં દાખલ કરી 1700 પાનાની ચાર્જશીટ