Maharashtra Corona Cases Update:  મહારાષ્ટ્રમાં રવિવારે 24 કલાક દરમિયાન કોરોના વાયરસના 44 હજાર 388 નવા કેસની પુષ્ટિ થઈ છે. તેમાંથી 19 હજાર 474 કેસ માત્ર મુંબઈમાં જ નોંધાયા છે. આજે રાજ્યમાં 15 હજાર 351 લોકો કોરોનાને હરાવવામાં સફળ થયા છે. આ દરમિયાન 12 લોકોના મોત થયા હતા.


મહારાષ્ટ્ર સરકારના ડેટા અનુસાર, રાજ્યમાં હાલમાં કોરોનાના 2 લાખ 2 હજાર 259 સક્રિય દર્દીઓ છે. આજે 12 મોત બાદ રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા હવે વધીને 1 લાખ 41 હજાર 639 થઈ ગઈ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 1216 લોકો કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા છે.


શનિવારે કેટલા કેસ આવ્યા ?


મહારાષ્ટ્રમાં શનિવારે 24 કલાક દરમિયાન કોરોના વાયરસના 41 હજાર 434 નવા કેસ નોંધાયા હતા.  આ દરમિયાન 9 હજાર 671 લોકોને રજા આપવામાં આવી હતી અને 13 લોકોના કોરોનાથી મોત થયા હતા. ગઈકાલ સુધીમાં રાજ્યમાં કોરોનાના 1 લાખ 73 હજાર 238 સક્રિય કેસ હતા.


મહારાષ્ટ્ર સરકારે કોરોનાની નવી ગાઇડલાઇન કરી જાહેર


મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કોરોના નિયંત્રણોમાં અનેક ફેરફાર કર્યા છે. નવી ગાઇડલાઇન્સ અનુસાર બ્યૂટી પાર્લરને સલૂન સાથે જોડવામાં આવશે અને 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. જિમ પણ 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. કોરોનાની રસીના બંન્ને ડોઝ લીધા હોય તેમને જ પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. નવી ગાઇડલાઇન 10 જાન્યુઆરીથી લાગુ કરાશે.


નવી ગાઇડલાઇન અનુસાર મહારાષ્ટ્રમાં રાત્રે 11 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ રહેશે. સવારે પાંચથી રાત્રે 11 વાગ્યા સુધી કલમ 144 લાગુ રહેશે. એટલે કે દિવસમાં એક સાતે એક જ સ્થળ પર પાંચ કે તેથી વધુ લોકો એકઠા થઇ શકશે નહી. નવા પ્રતિબંધો અનુસાર સ્કૂલ અને કોલેજ આજથી 15 ફેબ્યુઆરી  સુધી બંધ કરી દેવામાં આવશે. મેદાન, ગાર્ડન, ટુરિસ્ટ પ્લેસ, સ્વિમિંગ પુલ, સ્પા, વેલનેસ સેન્ટર આગામી આદેશ સુધી બંધ રહેશે. મ્યૂઝિયમ, એન્ટરટેઇમેન્ટ પાર્ક પણ બંધ રહેશે.


સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે તે સિવાય આવશ્યક સેવાઓ સિવાય લોકો રાત્રે 11 વાગ્યાથી સવારે પાંચ સુધી લોકોના અવરજવર પર પ્રતિબંધ રહેશે. રાજ્યમાં થોડા અપવાદો સિવાય શાળાઓ, કોલેજો અને કોચિંગ સંસ્થાઓ 15 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફક્ત વેક્સિન લેનારા લોકોને જ મુસાફરી કરવા દેવામાં આવશે. નવા નિયમ પ્રમાણે થિયેટરો 50 ટકાની ક્ષમતા સાથે જ ચાલું રાખી શકાશે અને રાત્રે 10 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી બંધ રહેશે. પ્રાઈવેટ ઓફિસો પણ 50 ટકા સ્ટાફ સાથે કાર્યરત રહી શકશે. તેમાં પણ જે કર્મચારીઓએ વેક્સિનના બંને ડોઝ લીધા છે તેમને જ મંજૂરી આપવામાં આવશે. લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોએ વધુમાં વધુ 50 અને અંતિમક્રિયામાં 20 લોકોને જ મંજૂરી મળશે.