Sharad Pawar In Satara: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં અજિત પવારના બળવાના એક દિવસ પછી, પાર્ટીના વડા શરદ પવારે સોમવારે (3 જુલાઈ) સતારામાં સમર્થકોને સંબોધિત કર્યા. આ દરમિયાન એનસીપી નેતાએ કહ્યું, આજે આપણે બધાએ એક થવાની જરૂર છે.


શરદ પવાર સોમવારે મહારાષ્ટ્રના સતારા પહોંચ્યા અને વાય બી ચૌહાણને શ્રદ્ધાંજલિ આપી. સતારાનાં કરાડમાં વાયબી ચવ્હાણ સ્મારક સ્થળ પર પાર્ટી સમર્થકોને સંબોધતા વરિષ્ઠ પવારે કહ્યું, આપણે બધાએ હવે એકજૂટ રહેવાની જરૂર છે. આ પહેલા શરદ પવારે રોડ શો કરીને પોતાની તાકાત બતાવી હતી.


મહારાષ્ટ્રે એકતા બતાવવી પડશે - શરદ પવાર


તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રને જાતિ અને ધર્મના નામે વહેંચવામાં આવી રહ્યું છે. ધાર્મિક વિવાદ ઉશ્કેરવામાં આવી રહ્યો છે. અમે મહારાષ્ટ્રને મજબૂત કર્યા વિના રોકાઈશું નહીં. મહારાષ્ટ્રે પોતાની એકતા બતાવવી પડશે. ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા એનસીપીના વડાએ કહ્યું કે, ભાજપ હંમેશા આ પ્રકારની રમત રમે છે. ભાજપને તેનું યોગ્ય સ્થાન બતાવતા રહીશું.


અમે ફરીથી મજબૂત બનીશું - શરદ પવાર


પવારે કહ્યું, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં અમે મહારાષ્ટ્રની સેવા કરી રહ્યા હતા, પરંતુ કેટલાક લોકોએ તેને પડતો મૂક્યો. માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં, પરંતુ દેશમાં - દિલ્હી, પંજાબ, બંગાળ, જ્યાં પણ સરકાર લોકતાંત્રિક રીતે કામ કરી રહી છે, તેના પર પ્રહારો થઈ રહ્યા છે.


અમે આ બધાની સામે ઊભા રહેવાનો પ્રયાસ કર્યો પરંતુ કમનસીબે અમારામાંથી કેટલાક બાકાત રહી ગયા. તમારા સમર્થનથી અમે ફરી મજબૂત બનીશું અને મહારાષ્ટ્ર ફરી એકવાર પ્રગતિના પંથે આગળ વધશે.


શરદ પવારની પાર્ટી એનસીપીને તેમના જ ભત્રીજા અજિત પવારે તોડી નાંખી છે. અજિત પવારે ભાજપ અને એકનાથ શિંદેની સરકારને સમર્થન આપ્યું અને ડેપ્યુટી સીએમની ખુરશી પર બેઠા. પવાર પરિવારમાં આ વિદ્રોહની ઘણી ચર્ચા છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ વિખવાદ ઘણા સમયથી ચાલી રહ્યો હતો. હવે NCP ચીફ શરદ પવારે આ અંગે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે ગમે તે થાય પરંતુ પરિવારમાં કોઈ સમસ્યા નથી.


એનડીટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં શરદ પવારે કહ્યું કે પરિવારમાં કોઈ સમસ્યા નથી. અમે પરિવારમાં રાજકારણની ચર્ચા કરતા નથી, પરિવારમાં દરેકને પોતાનો નિર્ણય લેવાનો અધિકાર છે અને તેઓ પણ તેમ જ કરે છે. આ ઈન્ટરવ્યુ દરમિયાન શરદ પવારે સ્પષ્ટ કર્યું હતું કે તેમણે હાલમાં કોઈ ધારાસભ્ય સાથે વાત કરી નથી અને તેઓ અત્યારે કોઈના સંપર્કમાં નથી. તેમણે કહ્યું કે તે સતારા જઈ રહ્યા છે. જ્યાં તેઓ સ્વાતંત્ર્ય સેનાની વાયબી ચવ્હાણના સ્મારકની મુલાકાત લેશે.




Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial