Maharashtra News: મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના માનવત તાલુકા સ્થિત પ્રસિદ્ધ યશવાડી મારુતિ મંદિર પરિસરમાં શનિવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. મંદિરની સામે બનેલો સભા મંડપ અચાનક તૂટી પડ્યો હતો. પ્રારંભિક માહિતી અનુસાર, આ અકસ્માતમાં 7 શ્રદ્ધાળુઓના મોત થયા છે. કાટમાળ નીચે આશરે 30 થી 40 લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Continues below advertisement

 

ઘણા શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તેમને આર.પી. હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘાયલોની સંખ્યા અંગે વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

Continues below advertisement

આ પણ વાંચો...Fridge Cleaning Accident: ચાલુ રેફ્રિજરેટરની સફાઈ જીવલેણ થઇ શકે છે સાબિત, જુઓ ભયંકર દુર્ઘટનાનો વીડિયો

ઘટનાની માહિતી મળતાની સાથે જ જિલ્લા પ્રશાસન, પોલીસ અને રાહત-બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

પ્રશાસને સમગ્ર વિસ્તારને ઘેરી લઈને રાહત કામગીરી ઝડપી બનાવી છે. અધિકારીઓનું કહેવું છે કે સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં વિગતવાર માહિતી શેર કરવામાં આવશે. હનુમાન મંદિર અને શનિવારનો દિવસ હોવાના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચ્યા હતા.

મંદિરમાં કીર્તન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મંડપ સભામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા. કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે જ મંડપ સભાની છત અચાનક તૂટી પડી હતી. ઘટનાસ્થળે હાજર શ્રદ્ધાળુઓ અને નાગરિકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.

મેઘના બોર્ડીકરે ડીએમ અને એસપી સાથે સંપર્ક કર્યો

અકસ્માત બાદ પરભણીના ગાર્ડિયન મિનિસ્ટર મેઘના બોર્ડીકરે સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે અને તેઓ પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે. તેમણે ડીએમ (કલેક્ટર) અને એસપી (જિલ્લા પોલીસ વડા) સાથે સંપર્ક કર્યો છે અને તેમને તાત્કાલિક તમામ જરૂરી રાહત સામગ્રી, સાધનો અને ક્રેન ઘટનાસ્થળે મોકલવાનો નિર્દેશ આપ્યો છે. આવી જ રીતે, NCP ધારાસભ્ય રાજેશ વિટેકર અને જિલ્લાના અન્ય અગ્રણી નેતાઓએ પણ વહીવટી અધિકારીઓ સાથે સંપર્ક કર્યો છે અને તેમને બચાવ કામગીરીમાં તેજી લાવવાનો નિર્દેશ આપ્યો છે.