મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ દિવેઆગર બીચ પર એક દુઃખદ ઘટના બની છે. પિકનિક માટે ગયેલા 8 વિદ્યાર્થીઓના રાયગઢના દિવેઆગર દરિયાકિનારે ડૂબી જવાથી મોત થયા છે. રાયગઢ જિલ્લાના દિવેઆગર દરિયાકિનારે ગુરુવારે મોટી દુર્ઘટના બની હતી. 

Continues below advertisement

ખાનગી ક્લાસ દ્વારા પિકનિકનું આયોજન

Continues below advertisement

મળતી માહિતી મુજબ, પુણે જિલ્લાના આળંદીથી એક ખાનગી ક્લાસ દ્વારા પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ દિવેઆગર આવ્યા હતા. દરિયાના પાણીની ઊંડાઈ અને મોજાંની તીવ્રતાનો અંદાજ ન હોવાના કારણે આ દુઃખદ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.

દિવેઆગર રાયગઢ જિલ્લાના શ્રીવર્ધન તાલુકામાં આવેલું એક પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે. દુર્ઘટનાની માહિતી મળતા જ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. મહાકાળી વોટર સ્પોર્ટ્સના કર્મચારીઓ ઉપરાંત સ્થાનિક નાગરિકો અને પર્યટકોએ પણ બચાવ કામગીરીમાં મદદ કરી હતી. ભારે જહેમત બાદ દરિયામાંથી તમામ 8  વિદ્યાર્થીઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

દુઃખદ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ

તમામ મૃતદેહોને આગળની કાર્યવાહી માટે બોરલી પંચતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા છે, જ્યાં જરૂરી ઔપચારિકતાઓ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ પિકનિક પુણેના આળંદીથી દિવેઆગર ખાતે આવી હતી. દુર્ઘટનાના સમાચાર ફેલાતા જ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. આ દુઃખદ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 

વિદ્યાર્થીઓ ડૂબી રહ્યા હોવાની જાણ થતાં મહાકાળી વોટર સ્પોર્ટ્સના સ્ટાફ અને બીચ પર હાજર સ્થાનિક લોકોએ તાત્કાલિક દરિયામાં કૂદી પડ્યા. તેમણે બચાવ કામગીરી શરૂ કરી અને ડૂબતા વિદ્યાર્થીઓને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ઘણી મહેનત પછી, આઠેય વિદ્યાર્થીઓને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં તેઓ મૃત્યુ પામ્યા હતા.

દરિયામાં જતી વખતે સાવધાની રાખવાની જરૂરિયાત

આ દુઃખદ ઘટનાએ ફરી એકવાર દરિયામાં જતી વખતે સાવધાની રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. સ્થાનિક અધિકારીઓ અને લાઇફગાર્ડ્સ દ્વારા નિયુક્ત સલામત વિસ્તારોમાં જ દરિયામાં પ્રવેશવાની સલાહ આપવામાં આવે છે. પોલીસ હાલમાં અકસ્માતના તમામ પાસાઓની તપાસ કરી રહી છે. વિદ્યાર્થીઓના પરિવારોને ઘટનાની જાણ કરવામાં આવી રહી છે. આઠ વિદ્યાર્થીઓના મૃત્યુથી તેમના પરિવારોમાં શોક ફેલાયો છે.