Maharashtra Politics: મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામા જાણે અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. એક તરફ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે‌)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે વિદેશના પ્રવાસે છે ત્યાં એનસીપી પ્રમુખ શરદ પવાર ઓચિંતા જ રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળવા પહોંચી જતા મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. શરદ પવાર મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળવા તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલે પહોંચ્યા હતા. શરદ પવારે ગૌતમ અદાણીને મળવાનું કારણ પણ જણાવ્યું.


ખાસ વાત એ છે કે, શરદ પવારે આ પગલું ત્યારે ભર્યું છે જ્યારે ઉદ્ધવ ઠાકરે વિદેશમાં છે. આ બેઠકના વિષય વિશે કોઈ માહિતી બહાર આવી નથી. એટલે કે તેને એકદમ ગુપ્ત રાખવામાં આવી હતી. પરંતુ આ બેઠકે ફરી એકવાર કોંગ્રેસ, એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની યુતિ કે મહાવિકાસ અઘાડી તરીકે ઓળખાય છે તેમાં રાજકીય વમળ જરૂરથી સર્જી દીધા છે. જાહેર છે કે, મહારાષ્ટ્રની રાજનીતિમાં શરદ પવાર ઓચિંતી રાજકીય ધોબી પછાડ આપવા માટે જાણીતા છે. 


શરદ પવાર અને એકનાથ શિંદે વચ્ચે લગભગ અડધો કલાક સુધી મુલાકાત ચાલી હતી. વાસ્તવમાં મરાઠા મંદિર સંસ્થાએ 75 વર્ષ પૂર્ણ કર્યા છે. શરદ પવાર આ કાર્યક્રમ માટે આમંત્રિત કરવા માટે સીએમ શિંદેને મળ્યા હતાં. આ કાર્યક્રમ 24મી જૂને મુંબઈમાં યોજાવાનો છે. શરદ પવાર મરાઠા મંદિર સંસ્થાના પ્રમુખ છે. 'વર્ષા' એ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન છે.


શરદ પવાર ગૌતમ અદાણીને મળ્યા


સીએમ બન્યા બાદ શરદ પવાર પહેલીવાર એકનાથ શિંદેના ઘરે તેમના ઘરે પહોંચ્યા હતા. શરદ પવારે ગૌતમ અદાણીને મળવાનું કારણ પણ જણાવ્યું. શરદ પવારે કહ્યું કે, સિંગાપોરનું એક પ્રતિનિધિમંડળ તેમને મળ્યું. કોઈ ટેકનિકલ કારણોસર તેમને ગૌતમ અદાણીને મળવું પડ્યું. તેથી જ ગૌતમ અદાણી તેમને મળવા આવ્યા હતા. શરદ પવારે એ વાતને ટાળી દીધી કે તે ટેકનિકલ કારણ શું હતું. તેમણે સરળ રીતે સ્પષ્ટતા કરી કે સિંગાપોરના પ્રતિનિધિમંડળની ગૌતમ અદાણી સાથેની મુલાકાતનું કારણ ટેકનિકલ હોવાથી તેમની પાસે આ અંગે ચોક્કસ માહિતી નથી.


અદાણી-પવાર વચ્ચે અડધો કલાકથી વધુ ચર્ચા, ચર્ચામાં શું હતું ખાસ?


ગૌતમ અદાણી અને શરદ પવાર વચ્ચે પવારના સિલ્વર ઓક નિવાસસ્થાને અડધા કલાકથી વધુ સમય સુધી ચર્ચા ચાલી હતી. એક પછી એક આ બે મોટી બેઠકોને કારણે મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે રાજ્ય સાથે ચોક્કસ કંઈક મોટું થવા જઈ રહ્યું છે.


શરદ પવાર અને ગૌતમ અદાણી વચ્ચેના સંબંધો સૌહાર્દપૂર્ણ 


એકનાથ શિંદેને મળ્યા બાદ જ્યારે શરદ પવાર રાત્રે 8.45 વાગ્યે વર્ષા બંગલામાંથી બહાર આવ્યા ત્યારે તેમણે પત્રકારોના સવાલોના જવાબ આપવાનું ટાળ્યું અને સીધા તેમના નિવાસસ્થાન 'સિલ્વર ઓક' ગયા. ત્યાર બાદ તરત જ ગૌતમ અદાણી તેમને મળવા સિલ્વર ઓક પહોંચ્યા. શરદ પવારના ગૌતમ અદાણી સાથે ખૂબ સારા સંબંધો છે.


પવાર-અદાણીની બેઠક 20 એપ્રિલે પણ થઈ હતી, બંધ બારણે થઈ હતી વાતચીત 


પવારે તેમની રાજકીય જીવનચરિત્ર 'લોક માજે સંગાતિ'માં ગૌતમ અદાણીની સાહસિકતાની પણ પ્રશંસા કરી છે. ઉપરાંત, જ્યારે કોંગ્રેસ વતી રાહુલ ગાંધીએ ગૌતમ અદાણી સામે જેપીસી તપાસની માંગ કરી હતી અને ઉદ્ધવ ઠાકરે રાહુલ ગાંધીની આ માંગને સમર્થન આપી રહ્યા હતા, ત્યારે શરદ પવાર ગૌતમ અદાણીના સમર્થનમાં ઉભા હતા અને હિંડનબર્ગ રિપોર્ટની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા થયા હતા.


ગુરુવારે મીટિંગ પહેલાં, 20 એપ્રિલે પણ સિલ્વર ઓક ખાતે શરદ પવાર અને ગૌતમ અદાણી વચ્ચે બેઠક થઈ હતી. બંધ દરવાજા પાછળ બે કલાક સુધી ચાલેલી આ ચર્ચા દરમિયાન કોઈ ત્રીજી વ્યક્તિ હાજર ન હતી. આ બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ તે આજ સુધી કોઈને ખબર નથી. અગાઉ બારામતીમાં પણ આવી જ બેઠક થઈ હતી. એટલે કે ગૌતમ અદાણી સાથે શરદ પવારની બેઠકોનો તબક્કો ચાલી રહ્યો છે.