હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં એકવાર ફરી ભૂસ્ખલનની ઘટનાએ તબાહી મચાવી છે. આ ભૂસ્ખલનની ઘટનામાં 50થી 60 લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા છે. ડિપ્ટી કમિશનર સાદિક હુસૈને આ જાણકારી આપી હતી. વિધાનસભા સત્ર દરમિયાન હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે આ ઘટનાની પુષ્ટી કરી હતી. એક મહિનામાં ઓછામાં ઓછી કિન્નૌરમાં ભૂસ્ખલનની આ બીજી ઘટના છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ભૂસ્ખલનના કારણે કાટમાળમાં 50થી 60 લોકો દટાયા હોવાની આશંકા છે. બચાવ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં બસના ડ્રાઇવર અને કંડક્ટર સહિત ચાર લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. હાલમાં આર્મી, આઇટીબીપી, એનડીઆરએફ અને પોલીસ ટીમો બચાવ અભિયાનમાં જોડાઇ છે. હિમાચલ સરકાર કહ્યું કે અત્યાર સુધી બે લોકોના મોત થયાની પુષ્ટી થઇ છે. જ્યારે છ લોકો ઇજાગ્રસ્ત થયા છે. બસના ડ્રાઇવરે કહ્યું કે કેટલાક વાહનો ભૂસ્ખલનના કારણે નદીમાં પડ્યા છે.
દુર્ઘટનામાં બસની સાથે અન્ય પાંચ નાના વાહનો દટાયા હોવાની આશંકા છે. પહાડ ઘસી ગયા બાદ નેશનલ હાઇવે નંબર પાંચ બ્લોક થઇ ગયો છે. કાટમાળમાં હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસની સાથે એક ટ્રક અને એક ગાડી પણ દટાયેલી જોઇ શકાય છે. કાટમાળને હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ હજુ પણ પહાડ પરથી માટી અને પથ્થરો પડી રહ્યા છે જેના કારણે બચાવ અભિયાનમાં અડચણ આવી રહી છે. એનડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચી ચૂકી છે. તે સિવાય સ્થાનિક પ્રશાસન પણ બચાવ અભિયાનમાં જોડાયા છે.
ડિપ્ટી કમિશનરે કહ્યુ કે કાળમાળની નીચે 50થી 50 મુસાફરો ભરેલી સરકારી બસ સાથે અનેક વાહન દટાયા છે. એનડીઆરએફની સાથે સ્થાનિક બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી હતી. વડાપ્રધાને મુખ્યમંત્રી જયરામ ઠાકુરને કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદનું આશ્વાસન આપ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર સાથે આ દુર્ઘટના વિશે વાત કરી છે.