યૂપીના બારાબંકીમાં મંગળવારે મોડી રાત્રે મોટો રોડ અકસ્માત થયો છે. મોડી રાત્રે લગભગ 12 કલાકે લખનઉ-અયોધ્યા નેશનલ હાઈવે-28 પર કલ્યાણી નદી પુલની પાસે રસ્તાના કિનારે ઉભી રહેલ બસને પાછળથી પૂરપાટ ઝડપે આવતા ટ્રકે ટક્કર મારી હતી. આ ઘટનામાં કિનારે બેઠેલા અને બસમાં ઉંઘી રહેલા 19 પ્રવાસીઓના મોત થયા છે જ્યારે 25થી વધારે લોકો ઘાયલ થયા છે. મોતનો આંકડો હજુ પણ વધી શકે છે. ઘટના બાદ એસપી યમુના પ્રસાદ પોલીસ ફોર્સ સાથે ઘટના સ્થળ પર હાજર રહ્યા.


અકસ્માતનો ભોગ બનેલ તમામ પ્રવાસી મજૂર હતા, જે પંજાબથી બિહાર જઈ રહ્યા હતા. બસ રસ્તામાં અચાનક ખરાબ થઈ ગઈ હતી. તમામ મજૂરો બસ ઠીક થવાની રાહ જોઈ રહ્યા હતા. કેટલાક પ્રવાસી બસમાંથી ઉતરીને રસ્તા પર ઉભા હતા. ત્યારે જ પૂરપાટ ઝડપે આવતા ટ્રકે ટક્કર મારી દીધી. ઘાયલોને બારાબંકી જિલ્લા હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર અને મેડિકલ કોલેજ સહિત અન્ય હોસ્પિટોલમાં દાખલ કરવામાં આવ્યા છે.


ઉત્તર પ્રદેશના લખનઉ ઝોન એડીજી એસએન સાબાતે કહ્યું, “બસમાં મોટાભાગના લોકો પંજાબ અને હરિયાઆમાં કામ કરીને પરત ઘરે ફરી રહેલ લોકો હતા. બસમાં ખરાબી બાદ લોકો બસમાંથી ઉતરીને બસની નજીક જ ઉંઘી ગયા હતા. ત્યારે જ પાછળથી આવી રહેલ ટ્રકે બસને ટક્ક મારી. લગભગ 18 લોકોના મોત થયા છે. હાલમાં પણ અનેક લોકો બસ નીચે દબાયેલા છે.”