વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભારતને 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવા માટે એક સામાન્ય વિઝન તૈયાર કરવા હાકલ કરી હતી અને રાજ્યોને આ દિશામાં પગલાં લેવા જણાવ્યું હતું. PM મોદીએ નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલ (GCM)ની આઠમી બેઠકને સંબોધિત કરતા આ વાત જણાવી હતી. દરમિયાન ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નર અને કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા. તેમણે રાજ્યોને નાગરિકોના સપના પૂરા કરે તેવા કાર્યક્રમો તૈયાર કરવા આર્થિક રીતે વિવેકપૂર્ણ નિર્ણય લેવા જણાવ્યું હતું.






નીતિ આયોગે ટ્વિટર પર લખ્યું હતું કે  'નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની આઠમી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે રાજ્યોનો વિકાસ થાય છે ત્યારે ભારતનો વિકાસ થાય છે. તેમણે 2047માં વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે સહિયારી દ્રષ્ટિ વિકસાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.






અન્ય એક ટ્વિટમાં  નીતિ આયોગે જણાવ્યું હતું કે "વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોને આર્થિક રીતે સમજદારીભર્યા નિર્ણયો લેવા વિનંતી કરી હતી જેથી તેઓ આર્થિક રીતે મજબૂત બને અને નાગરિકોના સપના પૂરા કરે તેવા કાર્યક્રમો ચલાવી શકે."






ભારતને વિકસિત દેશ બનાવવા પર ચર્ચા


NITI આયોગ ગવર્નિંગ કાઉન્સિલની આઠમી બેઠકમાં ભારતને 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવા માટે સ્વાસ્થ્ય, કૌશલ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ અને માળખાકીય વિકાસ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.






વડાપ્રધાન મોદીએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, નિર્મલા સીતારમણ અને પીયૂષ ગોયલ તેમજ ઉત્તર પ્રદેશ, આસામ, ઝારખંડ અને મધ્યપ્રદેશ સહિતના અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. બિહાર, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, તેલંગણા, તમિલનાડુ અને દિલ્હીના મુખ્યમંત્રીઓએ બેઠકનો બહિષ્કાર કર્યો હતો.






નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની સંપૂર્ણ બેઠક દર વર્ષે યોજાય છે. ગયા વર્ષે 7 ઓગસ્ટના રોજ મોદીની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. કાઉન્સિલની પ્રથમ બેઠક 8 ફેબ્રુઆરી, 2015ના રોજ મળી હતી. કોરોના મહામારીના કારણે 2020 માં બેઠક બોલાવવામાં આવી ન હતી.