કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ભાજપ મમતા બેનર્જી સરકાર પર સતત પ્રહાર કરી રહ્યુ છે ત્યારે હવે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે મારા રાજ્યમાં અમે ફરિયાદો નોંધીએ છીએ, પરંતુ આ ભાજપ શાસિત રાજ્યોમાં કેસ નોંધવાની મંજૂરી નથી. આ સાથે જ સીએમ મમતાએ મીડિયા પર પણ પ્રહારો કર્યા હતા.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, "પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થા સારી છે, પરંતુ મીડિયાનો એક વર્ગ ખોટી માહિતી ફેલાવી રહ્યો છે. તેઓ મીડિયા ટ્રાયલ શરૂ કરે છે. મારા રાજ્યમાં અમે ફરિયાદો નોંધીએ છીએ. ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશમાં ફરિયાદ નોંધવાની મંજૂરી આપવામાં આવતી નથી. તમે જોયું જ હશે કે પત્રકારો નગ્ન હતા જેથી તેઓ સમાચાર પ્રકાશિત ન કરે, પરંતુ મારા રાજ્યમાં એવું થતું નથી. જો મને મારી પાર્ટીમાં કંઇક ખોટું દેખાય તો હું ધરપકડ અને તપાસનો આદેશ આપું છું. ભાજપે પણ મારી વિરુદ્ધ ફરિયાદ કરી હતી, પરંતુ શું કોઇ સચ્ચાઇ હતી ? તેની તપાસ કરવાનો પ્રયાસ કરો. જો તે સાચું હોય, તો હું હંમેશા તેને મીડિયામાં પ્રકાશિત કરવાનું કહું છું.
રાણાઘાટ જિલ્લા પોલીસ સાથેની વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું, "હાંસખાલીની ઘટના કેવી રીતે બની? આઈસીએ સાચા સમાચાર રજૂ ના કર્યા. આઈસીની બેદરકારીને કારણે આ ઘટના બની છે. તમારા જિલ્લામાં કેટલા લોકોના મોત થયા તેની જાણકારી રાખવી પડશે. પંચાયત સર્ટિફિકેટ આપે છે, આપણે જાણી પણ શકતા નથી. આત્મહત્યાને દુષ્કર્મનો કેસ બનાવવામાં આવ્યો. ભાજપ અને સીપીએમ બંન્ને સાથે મળીને બંગાળને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપણે બંગાળને હાથરસ કે ઉન્નાવ બનવા દઇશું નહી.