ઇમ્ફાલ: મણિપુરના ઉખરુલ જિલ્લામાં સશસ્ત્ર ઉગ્રવાદિઓએ અનેક ઘરોમાં આગ લગાવી અને ગોળીબાર કર્યો છે. આ ઘટના તાંગખુલ ​​નગા સમુદાયના સભ્ય પર હુમલાને લઈને વધી રહેલા તણાવ વચ્ચે બની હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વધુ હિંસા અને અફવાઓને રોકવા માટે જિલ્લામાં પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે.

સમગ્ર જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો 

પોલીસના જણાવ્યા અનુસાર, લિટન સરીખોંગ વિસ્તારમાં ગોળીબાર અને આગ લગાડવાની ઘટના બે તાંગખુલ ​નાગા સંગઠનો દ્વારા ઉખરુલ અને કામજોંગ જિલ્લામાં કુકી સમુદાયની હિલચાલ પર પ્રતિબંધ લાદ્યાના એક દિવસ પછી બની હતી. વહીવટીતંત્રે સમગ્ર જિલ્લામાં કર્ફ્યુ લાદ્યો છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "સશસ્ત્ર લોકોએ લિટન સારેઈખોંગમાં  કેટલાક ખાલી મકાનોમાં આગ લગાવી અને ગોળીબાર કર્યો" પરિસ્થિતિ તંગ છે અને સુરક્ષા દળો પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સાવચેતીના પગલા તરીકે, મણિપુર સરકારે ઉખરુલ જિલ્લાના મહેસૂલ વિસ્તારમાં બ્રોડબેન્ડ, VPN અને V-Sat ઇન્ટરનેટ સેવાઓ પાંચ દિવસ માટે સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે.

સ્થાનિકો સુરક્ષા દળોથી કેમ ગુસ્સે છે ?

ઘર છોડીને ભાગી રહેલા સ્થાનિક લોકોએ વિસ્તારમાં ગોળીબાર રોકવામાં કથિત નિષ્ફળતા બદલ સુરક્ષા દળો પર ગુસ્સો વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક વિડિઓ ક્લિપમાં પહાડી વિસ્તારમાં ગાઢ ધુમાડો ફેલાતો જોવા મળે છે.

21 ઘરો બળી ગયા છે, પરિસ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે

મણિપુરના મંત્રી ગોવિંદદાસ કોંથૌજામે સોમવારે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 21 ઘરો બળી ગયા છે અને પરિસ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.

આ હિંસાની શરૂઆત શનિવારે રાત્રે થઈ હતી જ્યારે તંગખુલ નાગા સમુદાયના એક સભ્ય પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. શરૂઆતમાં સમાધાનની વાત થઈ હતી પરંતુ રવિવારે યોજાનારી બેઠક રદ થતા મામલો બિચક્યો હતો.