Manmohan Singh Funeral: આર્થિક સુધારાના જનક પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પંચતત્વમાં વિલીન થયા. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની દિકરીએ મુખાગ્નિ આપી હતી.   નિગમ બોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્રણેય સેનાઓએ તેમને સલામી આપી હતી.






આ પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ નિગમ બોધ ઘાટ પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. રાહુલ ગાંધીએ તેમને કાંધ આપી હતી.


પાર્થિવ દેહને કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો


અંતિમ યાત્રા પહેલા, સિંહના પાર્થિવ દેહને કોંગ્રેસ મુખ્યાલયમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય ઘણા વરિષ્ઠ પક્ષના નેતાઓ અને કાર્યકરોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ભૂતપૂર્વ વડા પ્રધાનના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાનથી સવારે લગભગ 9 વાગ્યે કોંગ્રેસના મુખ્યાલયમાં લાવવામાં આવ્યો હતા, જ્યાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરો તેમના અંતિમ દર્શન માટે રાહ જોઈ રહ્યા હતા.


મનમોહન સિંહના પાર્થિવ દેહને રાખવામાં આવ્યા બાદ સોનિયા ગાંધી, ખડગે, રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય પાર્ટીના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. મનમોહન સિંહના પત્ની ગુરશરણ કૌર અને તેમના પરિવારના કેટલાક અન્ય સભ્યો પણ કોંગ્રેસ મુખ્યાલયમાં હાજર હતા. ગુરશરણ કૌરે પણ તેમના પતિને ફૂલ અર્પણ કરીને વિદાય આપી હતી. 


10 વર્ષ સુધી દેશના વડાપ્રધાન


મનમોહન સિંહ 2004 થી 2014 સુધી 10 વર્ષ સુધી દેશના વડાપ્રધાન હતા અને તે પહેલા તેમણે નાણામંત્રી તરીકે દેશના આર્થિક માળખાને મજબૂત બનાવવામાં મદદ કરી હતી. તેમની આગેવાની હેઠળની સરકારે માહિતીનો અધિકાર (RTI), શિક્ષણનો અધિકાર (RTE) અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો (મનરેગા) જેવી  યોજનાઓ શરૂ કરી. મનમોહન સિંહને 1991માં નરસિમ્હા રાવ સરકારમાં ભારતના નાણામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.