Delhi MCD Results 2022: એમસીડીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સાવરણો ફરી વળ્યો હતો. AAPએ ભાજપના દોઢ દાયકાના શાસનનો અંત આણ્યો છે. જોકે આ ચૂંટણીમાં કેટલાક ઉમેદવારો એવા હતાં કે જેઓ ખરેખર નસીબના બળિયા સાબિત થયા હતાં. કેટલાક ઉમેદવારોનું જીતનું અંતર માત્ર 500 વોટ તો કેટલાકનું 44 વોટ રહ્યું હતું. 


એમસીડીની ચૂંટણીમાં ભાજપ, આપ અને કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ પોતાના પ્રતિસ્પર્ધીને ખૂબ જ ઓછા અંતરથી હરાવ્યા હતાં. MCD ચૂંટણીમાં 27 વોર્ડ છે, જેના પર જીત અને હાર વચ્ચેનો તફાવત 500થી ઓછો હતો. આ 27 બેઠકોમાંથી 12 AAPના ખાતામાં ગઈ, જ્યારે ભાજપને 13 બેઠકો મળી હતી. આ સાથે જ બે બેઠક કોંગ્રેસના ખાતામાં ગઈ હતી. તેમાંથી ત્રણ બેઠકો એવી હતી જ્યાં જીત અને હાર વચ્ચેનો તફાવત 100થી ઓછા મત હતા.


ઉમેદવારો નસીબના બળિયા


વોર્ડ નંબર 171- ચિત્તરંજન પાર્કમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. જો કે AAP અહીં 44 મતોથી જીતી હતી. આપના ઉમેદવાર આશુ ઠાકુર અહીં જીત્યા હતાં. આ વોર્ડમાંથી ભાજપે કંચન ભદાના ચૌધરીને ઉમેદવાર બનાવ્યા હતા. કોંગ્રેસે ચૂંટણીની મોસમમાં ભાવના ગુપ્તાને મેદાનમાં ઉતાર્યા હતા. આશુ ઠાકુરે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને હરાવી AAPની જીત નોંધાવી હતી. વોર્ડ નંબર 220, નંદ નગરીમાં AAPના રમેશ કુમારે ભાજપના કેએમ રિંકુને 54 મતોથી હરાવ્યા હતા.


ભાજપના ઉમેદવાર કિશન લાલે વોર્ડ નંબર 62ના શકુર પુરમાં AAPના અશોક કુમારને 104 મતોથી હરાવ્યા હતા. એ જ રીતે AAPના હેમચંદ ગોયલે 181 મોલારબંદર વોર્ડમાં 127 મતોથી જીત મેળવી હતી. વોર્ડ નંબર 94માંથી ભાજપના ઉર્મિલા ગંગવાલ 146 મતોથી જીત્યા, દેવળી વોર્ડ નંબર 161માંથી ભાજપની અનિતાએ 164 મતોથી જીત મેળવી, વોર્ડ નંબર 103 કેશોપુરમાં ભાજપના હરીશ ઓબેરોયે AAPના ઉમેદવારને 176 મતોથી હરાવ્યા.


પાંચ વોર્ડમાં જીત-હારનો તફાવત 300થી ઓછો


સંગમ પાર્કમાં બીજેપીના સુશીલ કુમાર જોન્ટીએ જીત મેળવી હતી, તેમનો મુકાબલો INCના મનોજ કુમાર અને આમ આદમી પાર્ટીના રવિશંકર સામે હતો. સુશીલ કુમાર જોન્ટી 230 મતોની સરસાઈથી જીત્યા. આ સીટ ગઈ વખતે આપના ખાતામાં ગઈ હતી. પાંડવ નગરથી ભાજપના ઉમેદવાર યશપાલ સિંહ જીત્યા હતાં. અહીં યશપાલ સિંહે તેમના પ્રતિસ્પર્ધીને 240 મતોના માર્જિનથી હરાવ્યા હતા. AAP ઉમેદવાર સારિકા ચૌધરી વોર્ડ નંબર 142, દરિયાગંજ વોર્ડમાંથી માત્ર 244 વોટથી જીતી હતી. પૂર્વ પટેલ નગર અને મહિપાલપુરમાં જીત અને હાર વચ્ચેનો તફાવત 300થી ઓછો મતનો હતો. પાંચમાંથી ત્રણમાં ભાજપ અને બેમાં AAPના ઉમેદવારનો વિજય થયો હતો.


6 વોર્ડમાં 400થી ઓછા મતથી જીત-હાર


વોર્ડ નંબર 185માં AAPના પ્રવીણ કુમાર, વોર્ડ નંબર 22માંથી AAPના સુમન અનિલ રાણા, વોર્ડ નંબર 223માંથી AAPના શિવાની પંચાલ, વોર્ડ નંબર 48માંથી બીજેપીના મોનિકા ગોયલ, વોર્ડ નંબર બેમાંથી AAPના દિનેશ કુમાર અને વોર્ડ નંબર 22માંથી AAPના દિનેશ કુમાર હતાં. વોર્ડ નંબર 163માંથી ભાજપના ચંદન કુમાર ચૌધરી 400થી ઓછા મતોથી જીત્યા હતાં.


5 વોર્ડમાં તો 500થી ઓછા મતથી જીત-હાર નક્કી થઈ


વોર્ડ નંબર 197માંથી રેણુ ચૌધરીને 403 મતો, વોર્ડ નંબર 183માંથી નિખિલ છપરાના 465 મતોથી, રચનાએ વોર્ડ નંબર 205માંથી 472 મતોથી, નાઝિયા દાનિશને વોર્ડ નંબર 189માંથી 473 મતોથી અને વોર્ડ નંબર 12 માંથી ભાજપના રેખાએ 482 મતોથી વિજય મેળવ્યો છે. 


ઉલ્લેખનીય છે કે, MCDની 250 બેઠકોના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. AAPએ 134 બેઠકો કબજે કરી છે. ભાજપે 104 બેઠકો કબજે કરી હતી. કોંગ્રેસને માત્ર 9 બેઠકો મળી હતી. અપક્ષોએ 3 બેઠકો જીતી હતી. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે AAPની જીતને મોટી જીત ગણાવી હતી.