MCD Election Result 2022: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)નો  ભવ્ય વિજય થયો છે. આ સાથે કોર્પોરેશનમાંથી ભાજપે 15 વર્ષની સત્તામાંથી પણ હાથ ધોવાનો વારો આવ્યો છે. ભાજપ સામેની આ જીત પર આમ આદમી પાર્ટી શાનદાર ઉજવણી કરી રહી છે. હજી તો પુરા પરિણામો સામે પણ નથી આવ્યા ને ભાજપ અને આપ વચ્ચે શાબ્દિક યુદ્ધ પણ શરૂ થઈ ગયું છે. 


MCDમાં શાનદાર જીત બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, AAP નેતા ગોપાલ રાય, સંજય સિંહ અને પંજાબના સીએમ ભગવંત માન AAP ઓફિસ પહોંચ્યા હતાં. આ દરમિયાન ગોપાલ રાયે બીજેપીને પડકાર ફેંકતા કહ્યું હતું કે, ભાજપ પોતાનો મેયર બનાવી બતાવે. ભગવંત માને આવતી કાલે ગુજરાતમાં યોજાનારી મતગણતરીમાં પણ ચમત્કાર થવાની આશા વ્યક્ત કરી હતી. 


આજે પ્રારંભિક વલણો બાદ ભાજપે દાવો કર્યો હતો કે, દિલ્હીમાં મેયર તો તેમની પાર્ટીનો જ હશે. દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ પોતે આ દાવો કર્યો હતો. જેને લઈને આમ આદમી પાર્ટીએ આ ચેલેન્જ આપી હતી. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં AAP 250માંથી 134 સીટો જીતી રહી હોવાનું દેખાઈ રહ્યું છે. અહીં કોઈપણ એક પક્ષ અથવા ગઠબંધનને મેયર બનાવવા માટે 126 બેઠકોની જરૂર પડે છે. આ ચૂંટણીમાં ભાજપે 104 બેઠકો જીતી છે. બીજી તરફ કોંગ્રેસની ગાડી માત્ર 9 બેઠકો પર જ અટકી પડી છે.


ગોપાલ રાયે કહ્યું હતું કે, દિલ્હીના લોકોએ ઈતિહાસ રચ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોઈને પણ હરાવી શકે છે. આ સાથે જ તેમણે દાવો કર્યો હતો કે, ચૂંટણી પંચે ગૃહમંત્રી અમિત શાહના કારણે માર્ચમાં MCD ચૂંટણી મોકૂફ કરી દીધી હતી. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને હેરાન કરવામાં આવ્યા હતા. સત્યેન્દ્ર જૈનના વીડિયો બહાર પાડવામાં આવ્યા, છતાં ભાજપ ચૂંટણી જીતી શકી નહીં.


ભાજપે MCD લૂંટી


દિલ્હીની જનતાને અભિનંદન આપતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું હતું કે, ભાજપ 15 વર્ષથી MCDને લૂંટી રહ્યો છે. અમારી જીત સાથે દિલ્હીની જનતાએ અમને જવાબદારી સોંપી છે. તેમણે કહ્યું હતું કે, 15 વર્ષ બાદ દિલ્હીની જનતાની જીત થઈ છે. દિલ્હી દેશનું દિલ છે અને અમે દિલ્હી અને દિલ બંને જીતી લીધા છે. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે, આવતીકાલે ગુજરાતમાં પણ ચમત્કાર જોવા મળશે.