Medical college scam 2025: દેશના તબીબી શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવનારા મેડિકલ કોલેજ માન્યતા કૌભાંડમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ કુલ 36 લોકોના નામ ચાર્જશીટમાં જાહેર કર્યા છે. આ યાદીમાં સામેલ લોકોની પ્રોફાઇલ અત્યંત ચોંકાવનારી છે, જેમાં દેશની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટી નિયમનકારી સંસ્થા UGC ના ભૂતપૂર્વ અધ્યક્ષથી લઈને સરકારી અધિકારીઓ, સંતો, ડોક્ટરો, અને રાજકીય પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે.

મુખ્ય આરોપીઓ અને તેમની ભૂમિકા

CBI દ્વારા નામ આપવામાં આવેલા કેટલાક મુખ્ય વ્યક્તિઓ અને તેમની ભૂમિકા નીચે મુજબ છે

  • ડી.પી. સિંહ: UGC ના ભૂતપૂર્વ ચેરમેન, જે દેશમાં ઉચ્ચ શિક્ષણની શુદ્ધતા સુનિશ્ચિત કરતી સંસ્થાના વડા હોવા છતાં, આ દલાલીનો સ્ત્રોત બન્યા હોવાનો આરોપ છે.
  • ડૉ. જીતુ લાલ મીણા: રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળના સંયુક્ત નિયામક, જેમણે સરકારી જવાબદારી વચ્ચે ખાનગી મેડિકલ કોલેજો માટે નકલી માન્યતાની ભલામણ કરી.
  • રવિશંકર મહારાજ (રાવતપુરા સરકાર): પોતાને સંત કહેતા આ કોલેજના અધ્યક્ષે તબીબી શિક્ષણને વ્યવસાયમાં ફેરવી દીધું હોવાનો આરોપ છે.
  • અતુલ કુમાર તિવારી: SRIMSR ના નિયામક, જે સંપર્ક વ્યક્તિ હતા અને જેમણે નિરીક્ષણ ટીમનું "સંચાલન" કર્યું.
  • લક્ષ્મીનારાયણ ચંદ્રકર (કોલેજ એકાઉન્ટન્ટ) અને અતિન કુંડુ (કોલેજ વહીવટી અધિકારી) નાણાકીય વ્યવહારો અને વહીવટી કામગીરીમાં સામેલ હતા.
  • સંજય શુક્લા: કોલેજ નેટવર્ક સાથે સંકળાયેલા, નકલી દસ્તાવેજો અને ફેકલ્ટીના સંયોજક.

NMC નિરીક્ષણ ટીમ અને મંત્રાલયના અધિકારીઓ:

CBI ચાર્જશીટમાં NMC નિરીક્ષણ ટીમના સભ્યોના નામ પણ સામેલ છે, જેમણે નકલી રિપોર્ટ તૈયાર કરીને બદલામાં મોટી રકમ લીધી હતી. આમાં ડૉ. પી. રજની રેડ્ડી, ડૉ. સતીશ એ., ડૉ. ચૈત્ર એમ.એસ., અને ડૉ. અશોક શેલ્કે નો સમાવેશ થાય છે.

આરોગ્ય મંત્રાલય સાથે સંકળાયેલા કેટલાક અધિકારીઓ પણ આ કૌભાંડમાં સામેલ હોવાનું જણાયું છે, જેમાં પિયુષ માલ્યાન (સેક્શન ઓફિસર), અનુપ જયસ્વાલ, રાહુલ શ્રીવાસ્તવ, દીપક, મનીષા, અને ધર્મવીર નો સમાવેશ થાય છે.

રાજકીય કનેક્શન અને અન્ય ખુલાસાઓ

આ કૌભાંડમાં એક ચોંકાવનારું નામ ડૉ. શિવાની અગ્રવાલ નું છે, જે NCR મેડિકલ કોલેજ, મેરઠ ના ડિરેક્ટર છે. તેમનું નામ મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ ત્રણ વખત વિધાન પરિષદના સભ્ય (MLC) અને ભારતીય જનતા પાર્ટીના નેતા ડૉ. સરોજિની અગ્રવાલ ની પુત્રી છે. આ દર્શાવે છે કે એક રાજકીય પરિવારના સભ્ય પણ આ સમગ્ર મેડિકલ માફિયા ગેંગનો ભાગ હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય કોલેજોના ઉચ્ચ અધિકારીઓ પણ આ કૌભાંડમાં સંડોવાયેલા છે, જેમ કે મયુર રાવલ (રજિસ્ટ્રાર, ગીતાંજલી યુનિવર્સિટી, ઉદયપુર), સુરેશ સિંહ ભદોરિયા (ચેરમેન, ઇન્ડેક્સ મેડિકલ કોલેજ, ઇન્દોર), વેંકટ (ડિરેક્ટર, ગાયત્રી મેડિકલ કોલેજ, વિશાખાપટ્ટનમ), જોસેફ કોમારેડ્ડી (ફાધર, કોલંબો ઇન્સ્ટિટ્યૂટ, વારંગલ), અને સ્વામી ભક્તવત્સલદાસ (સ્વામિનારાયણ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ, ગાંધીનગર).

CBI ચાર્જશીટ અનુસાર, એક આરોપીએ કૌભાંડના પૈસાથી રાજસ્થાનમાં એક ભવ્ય મંદિર પણ બનાવ્યું હતું, જે દર્શાવે છે કે કૌભાંડના પૈસા ધર્મની આડમાં શુદ્ધ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આર. રણદીપ નાયર (ટેકિનફી સોલ્યુશન્સ) નકલી દસ્તાવેજો તૈયાર કરવામાં ટેકનિકલ મદદ પૂરી પાડતા હતા, જ્યારે પ્રદીપ અગ્રવાલ અને ઇન્દ્રબલી મિશ્રા ઉર્ફે 'ગુરુજી' બ્રોકરેજ નેટવર્કમાં અગ્રણી હતા. સુનિલ મિશ્રા, નરેન્દ્ર સાહુ, અને મનીષ જૈન નકલી ફેકલ્ટી, દસ્તાવેજો અને ડેટા એન્ટ્રી માટે જવાબદાર હતા.

36 લોકો પર મેડિકલ કોલેજો માટે નકલી માન્યતા મેળવવા માટે કરોડો રૂપિયાની લાંચ લેવા, નકલી દસ્તાવેજો રજૂ કરવા અને સમગ્ર સિસ્ટમને ભ્રષ્ટ કરવાના ગંભીર આરોપો છે.