Meerut policeman dead body case: ઉત્તર પ્રદેશના મેરઠમાં પોલીસની સંવેદનહીનતાનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે સમગ્ર પોલીસ બેડાને શર્મસાર કરી દીધું છે. કાયદાકીય કાર્યવાહી અને તપાસની જવાબદારીમાંથી બચવા માટે, નૌચંડી પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ રસ્તા પર મળેલી એક અજાણ્યા યુવકની લાશને તપાસવાને બદલે તેને ઈ-રિક્ષામાં નાખીને બીજા પોલીસ સ્ટેશનની હદમાં ફેંકી દીધી હતી. જોકે, તેમનું આ કારસ્તાન નજીકની દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસની પોલ ખુલી ગઈ છે. આ ઘટના બાદ SSP એ તાત્કાલિક અસરથી જવાબદાર કર્મચારીઓ સામે કડક પગલાં લીધા છે.

Continues below advertisement

રાત્રે 1:40 વાગ્યે બની ઘટના: જવાબદારીથી ભાગતી પોલીસ

ઘટનાની વિગતો મુજબ, ગુરુવારે મોડી રાત્રે આશરે 1:40 વાગ્યે નૌચંડી પોલીસ સ્ટેશન વિસ્તારના એલ બ્લોકમાં રસ્તા કિનારે એક અજાણ્યા યુવકનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળી હતી. નિયમ મુજબ પોલીસે ત્યાં પંચનામું કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની હતી. પરંતુ, ફરજ પર હાજર કોન્સ્ટેબલ રાજેશ અને હોમગાર્ડ રોહતાશે કામથી બચવા માટે શોર્ટકટ અપનાવ્યો. આ બંને પોલીસકર્મીઓએ મૃતદેહને એક ઈ-રિક્ષામાં લાદ્યો અને ત્યાંથી આશરે 500 મીટર દૂર લોહિયા નગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એક સ્ટેશનરીની દુકાન બહાર ફેંકીને ચાલતા થયા.

Continues below advertisement

દુકાનદારના CCTV એ ખોલી પોલ

સવારે જ્યારે દુકાનદાર રોનિત બૈંસલા પોતાની દુકાન ખોલવા પહોંચ્યા, ત્યારે દુકાન બહાર લાશ જોઈને ગભરાઈ ગયા હતા. તેમણે તાત્કાલિક લોહિયા નગર પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ જ્યારે દુકાનદારે પોતાના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે સૌના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ફૂટેજમાં સ્પષ્ટ દેખાતું હતું કે વર્દીધારી પોલીસકર્મીઓ જ રાતના અંધારામાં લાશને ત્યાં બિનવારસી હાલતમાં ફેંકી રહ્યા હતા.

હદના વિવાદમાં અટવાયેલા અધિકારીઓ

આ ઘટનામાં સૌથી આઘાતજનક બાબત એ હતી કે માનવતા દાખવવાને બદલે બંને પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જો આખો દિવસ 'હદ' (Jurisdiction) ના વિવાદમાં ઉલઝેલા રહ્યા. કોઈએ પણ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવાની તસ્દી લીધી નહીં કે પંચનામું કર્યું નહીં. આખરે દુકાનદારે કંટાળીને સીધા જ SSP ડૉ. વિપિન તાડાને જાણ કરી, ત્યારે જઈને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું.

SSP ની લાલ આંખ: કોન્સ્ટેબલ સસ્પેન્ડ, હોમગાર્ડ બરતરફ

ઘટનાની ગંભીરતાને જોતા SSP એ તાત્કાલિક એક્શન લીધા છે.

શાસ્ત્રી નગર એલ બ્લોક ચોકીના ઈન્ચાર્જ જિતેન્દ્ર કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

કોન્સ્ટેબલ રાજેશને પણ સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસના આદેશ અપાયા છે.

હોમગાર્ડ રોહતાશની સેવા સમાપ્ત કરવા માટે કમાન્ડન્ટને પત્ર લખવામાં આવ્યો છે. આ ઉપરાંત, લોહિયાનગર અને નૌચંડી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જની બેદરકારીની તપાસ SP સિટી આયુષ વિક્રમ સિંહને સોંપવામાં આવી છે અને 3 દિવસમાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

મૃતદેહની ઓળખ બાકી

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક યુવકના શરીર પર ઈજાના કોઈ નિશાન મળ્યા નથી. તેનું મૃત્યુ અકસ્માત છે, બીમારી છે કે અતિશય ઠંડીના કારણે થયું છે, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. હાલ તેની ઓળખ માટે સોશિયલ મીડિયા અને પોલીસ ગ્રુપ્સમાં ફોટો વાયરલ કરવામાં આવ્યો છે.