DELHI : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રીમો શરદ પવાર (Sharad Pawar) બુધવારે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Modi)ને મળ્યા હતા. સમાચાર અનુસાર બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત લગભગ 20 થી 25 મિનિટ સુધી ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વાતચીત દરમિયાન બંને વચ્ચે મહારાષ્ટ્ર (Maharashtra) ના મુદ્દાઓ પર ચર્ચા થઈ છે.
ખાસ વાત એ છે કે બંને વચ્ચે આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે EDએ મોટી કાર્યવાહી કરતા શિવસેના (Shivsena) નેતા સંજય રાઉત (Sanjay Raut) ના પરિવારની કરોડોની સંપત્તિ જપ્ત કરી છે. પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસ (Patra Chawl land scam case) માં EDએ મંગળવારે શિવસેનાના સાંસદ સંજય રાઉતના સહયોગી પ્રવીણ રાઉતની 9 કરોડની અને સંજય રાઉતની પત્ની વર્ષાની રૂ. 2 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. પાત્રા ચાવ જમીન કૌભાંડ રૂ. 1,034 કરોડનું છે.
EDની આ કાર્યવાહી બાદથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. સંજય રાઉત દ્વારા કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરવામાં આવી રહ્યા છે. સંજય રાઉતે એબીપી ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરીને વિપક્ષને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મંગળવારે EDએ સંજય રાઉત અને તેમના પરિવારના સભ્યોના અલીબાગના આઠ પ્લોટ અને મુંબઈમાં દાદરમાં એક ફ્લેટ જપ્ત કર્યો હતો.
આ કાર્યવાહી બાદથી સંજય રાઉત સતત કેન્દ્ર પર પ્રહારો કરી રહ્યા છે. તેમણે કહ્યું, "હું છેલ્લા 4 મહિનાથી કહી રહ્યો હતો કે મને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેથી મહારાષ્ટ્ર સરકારને ઘેરી શકાય. પરંતુ હું તેમની સામે ઝૂકવાનો નથી." તેમણે કહ્યું, "પ્રવીણ રાઉત મારો ભાઈ છે અને તે મારા ભાઈ હોવાને કારણે તેને ફસાવવામાં આવી રહ્યો છે અને તેના દ્વારા મને ફસાવવાના પ્રયાસો થઈ રહ્યા છે."