Meghalaya Exit Poll Results 2023 : મેઘાલય વિધાનસભા ચૂંટણી માટે 27 ફેબ્રુઆરી સઘન સુરક્ષા વચ્ચે મતદાન થયું હતું. ચૂંટણીના પરિણામો 2 માર્ચે જાહેર થશે. આજે મતદાન પુરૂ થતા જ એક્ઝિટ પોલ સામે આવી રહ્યાં છે. એક્ઝિટ પોલમાં જાણી રાજ્યમાં કોની સરકાર બનવા જઈ રહી છે તેની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મેઘાલયની તમામ 60 સીટો ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 


Zee News-MATRIZEના એક્ઝિટ પોલ અનુસાર  NPPને મહત્તમ બેઠકો મળવાની ધારણા છે. એક્ઝિટ પોલમાં NPPને 21-26 બેઠકો મળતી દર્શાવવામાં આવી છે. જ્યારે ભાજપને 6 થી 11 બેઠકો મળવાની ધારણા છે. તો ટીએમસીને 8-13 સીટો મળી શકે છે. કોંગ્રેસને 3-6 બેઠકો મળી શકે છે. આશ્ચર્યજનક રીતે અન્યને 10-19 બેઠકો મળવાની છે. જોકે સ્પષ્ટ બહુમતી એકેય પક્ષને ના મળી રહી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. માટે રાજ્યમાં ફરી એકવાર ગઠબંધનની જ સરકાર રચાય તેવી શક્યતા છે. 


મેઘાલયમાં કોને કેટલો વોટ શેર?


મેઘાલયના વોટ શેરની વાત કરીએ તો ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર, NPPને સૌથી વધુ 29 ટકા વોટ મળે તેમ દર્શાવવામાં આવ્યું છે. જ્યારે કોંગ્રેસને 19 ટકા તો ભાજપને 14 ટકા વોટ મળે તેવી શક્યતા છે. તેવી જ રીતે અન્યને 11 ટકા મળવાની ધારણા છે.


મેઘાલયમાં આ વખતે ખરાખરીનો જંગ 


આ વખતે મેઘાલયમાં રાજકીય જંગ આસાન નહીં રહે. આ વખતે રાજ્યમાં સત્તા માટે ભારે સ્પર્ધા જોવા મળી રહી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 21 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી, પરંતુ કોનરાડ સંગમાના નેતૃત્વવાળી નેશનલ પીપલ્સ પાર્ટી કે જેણે 20 બેઠકો જીતી હતી અને ભાજપ સાથે ગઠબંધનમાં સરકાર બનાવવામાં સફળ રહી હતી. આ વખતે કોઈ પૂર્વ-ચૂંટણી ગઠબંધન ન હોવાને કારણે કોંગ્રેસ, ભાજપ, NPP અને TMC પોતપોતાના બળેર બહુમતી પર નજર રાખી રહ્યા છે. જેથી આંકડાની માયાજાળ ભારે રસપ્રદ બનવા જઈ રહી હોત તેમ એક્ઝિટ પોલમાં દર્શાવવામાં આવ્યું છે. 


Meghalaya Election 2023: મેઘાલય વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 60 બેઠકો પર ઉમેદવારોના નામની કરી જાહેરાત


ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુરુવારે ફેબ્રુઆરીના અંતમાં યોજાનારી મેઘાલય વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ 60 બેઠકો માટે તેના ઉમેદવારોના નામોની જાહેરાત કરી હતી.  બીજેપી હેડક્વાર્ટર ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીના રાષ્ટ્રીય સચિવ ઋતુરાજ સિંહા અને મેઘાલય એકમના પ્રમુખ અર્નેસ્ટ માવરીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.


રાષ્ટ્રીય સચિવ ઋતુરાજ સિંહાએ કહ્યું હતું કે મેઘાલયમાં પહેલીવાર ભાજપ તમામ 60 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં બુધવારે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC) ની બેઠકમાં આ નામોને ફાઇનલ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત પાર્ટીના CECના તમામ સભ્યો હાજર હતા.