પશ્વિમ બંગાળની અભિનેત્રી અને મોડલ અર્પિતા મુખર્જી ચર્ચામાં છે. ઇડીએ પશ્ચિમ બંગાળમાં તેના ઘરેથી લગભગ 50 કરોડ રોકડ જપ્ત કર્યા છે. અર્પિતા બંગાળ સરકારમાં મંત્રી રહેલા પાર્થ ચેટરજીની નજીકની વ્યક્તિ હોવાનું કહેવાય છે. હાલમાં EDએ પશ્વિમ બંગાળમાં શિક્ષકોની ભરતી કૌભાંડમાં અર્પિતા અને પાર્થ બંનેની ધરપકડ કરી છે. દરમિયાન IPS ઓફિસર અરુણ બોથરાએ અર્પિતા મુખર્જી વિશે એક ટ્વિટ કર્યું છે જે ચર્ચામાં છે. યુઝર્સે તેના ટ્વીટ પર પ્રતિક્રિયા આપી છે.
IPSએ પોતાના ટ્વીટમાં લખ્યું- 'તમે જે પણ કહો, અર્પિતાજીએ વફાદારીનું ઉદાહરણ રજૂ કર્યું છે. સોસાયટીના 11,809 રૂપિયા બાકી હતા, દરવાજા પર નોટિસ લગાવવામાં આવી હતી પરંતુ બીજાના પૈસા સંપૂર્ણ સુરક્ષિત રાખ્યા હતા.
IPS અરુણ બોથરાએ અર્પિતા મુખર્જીના ઘરેથી મળેલી રોકડની તસવીર અને સોસાયટીના મેઇન્ટનન્સના બાકી રૂપિયાની યાદી શેર કરી હતી. યાદી અનુસાર, અર્પિતા પર સોસાયટીના મેઇન્ટનન્સના 11 હજાર રૂપિયાથી વધુનું દેવું છે.
IPS અધિકારીના ટ્વીટ પર યુઝર્સે અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે કહ્યું- અર્પિતા પાસે છુટ્ટા પૈસા નહી હોય. તો બીજા યુઝરે લખ્યું- જ્યાં આટલા બધા રૂપિયા રાખ્યા હોય ત્યાં 11 હજાર પર કોણ ધ્યાન આપે છે?
જ્યારે @anjanikumar41 નામના ટ્વિટર યુઝરે એક મીમ શેર કર્યો અને લખ્યું- બિનોદ કહો, બીજાના પૈસા રાખવા માટે તમને કેટલું મળે છે? @Brahmin_Bachchaએ લખ્યું – ભીડે જેવા સોસાયટીના એકમાત્ર પ્રમુખની હાય લાગી હશે. @prasun004 નામના યુઝર્સે લખ્યું કે મતલબ ગમે તેટલા પૈસા કેમ ના આવી જાય પરંતુ સોસાયટીના મેઇન્ટનન્સના પૈસા ભરવામાં વ્યક્તિ આનાકાની કરે છે
વાસ્તવમાં પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડની તપાસ કરી રહેલી તપાસ એજન્સી ઇડીએ 23 જુલાઈએ અર્પિતાના ફ્લેટ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન EDને લગભગ 21 કરોડ રૂપિયાની રોકડ મળી હતી. અર્પિતાના ઘરેથી 50 લાખની કિંમતના 20 મોબાઈલ અને જ્વેલરી પણ મળી આવી હતી. એટલું જ નહીં, EDને અર્પિતાના ઘરેથી લગભગ 60 લાખનું વિદેશી ચલણ પણ મળ્યું. આ પછી EDએ અર્પિતા મુખર્જીની ધરપકડ કરી હતી.
પૂછપરછ બાદ અર્પિતાના અન્ય ફ્લેટ શોધી કાઢવામાં આવ્યા હતા. EDને અર્પિતાના બીજા ઘરમાંથી પણ 27.9 કરોડ રૂપિયાની રોકડ મળી છે. તેમાં 2000 અને 500 રૂપિયાની નોટોના બંડલ હતા. જો બંનેનું ટોટલ કરવામાં આવે તો તે લગભગ 50 કરોડ (48.9 કરોડ) બની જાય છે. આટલું જ નહીં દરોડા દરમિયાન અર્પિતાના ઘરેથી 4.31 કરોડ રૂપિયાનું સોનું મળી આવ્યું હતું. જેમાં 1 કિલોની 3 સોનાની ઇંટો, અડધા અને અડધા કિલોની 6 સોનાની બંગડીઓ અને અન્ય ઘરેણાંનો સમાવેશ થાય છે.
કોણ છે અર્પિતા મુખર્જી?
અર્પિતા મુખર્જીએ બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. તે મોડલ પણ રહી ચુકી છે. અર્પિતાએ પોતાની ફિલ્મી કરિયરમાં મોટાભાગે સાઈડ રોલ કર્યા છે. બંગાળી ફિલ્મો ઉપરાંત તેણે ઓડિયા અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી પાર્થ ચેટર્જીની નજીક છે. પાર્થ ચેટર્જી મમતા બેનર્જીની સરકારમાં શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે. હાલ બંનેની ધરપકડ કરવામાં આવી છે.