અમદાવાદ: લોકસભા ચૂંટણી 2024ને લઈ તમામ પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.  કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દક્ષિણ ભારતમાં પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે રાજા મહારાજાઓ પર એક નિવેદન આપ્યું હતું. કર્ણાટકમાં રાહુલ ગાંધીએ એક જંગી જાહેર સભાને સંબોધતા રાજા મહારાજા પર નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું, 'રાજાઓ મહારાજાઓનું રાજ હતું જે પણ તેઓ ઈચ્છતા કરતા,  કોઈની જમીન જોતી હોય તો ઉઠાવીને લઈ જતા હતા.' હવે આ નિવેદનને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. 






ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાહુલ ગાંધીના આ નિવેદનનો વીડિયો એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે,  કૉંગ્રેસના યુવરાજએ ભૂલી ગયા કે રાજા મહારાજાઓ એ દેશને રજવાડા અર્પણ કર્યા.. જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસની સરકારોએ ઉઠાવ્યું અને લૂંટ્યું. 


કેંદ્રીયમંત્રી અને રાજકોટથી ભાજપના ઉમેદવાર રુપાલાનો વિરોધ યથાવત


રાજકોટ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કેંદ્રીય મંત્રી પરસોત્તમ રુપાલાએ રાજાઓ મહારાજાઓ પર આપેલા નિવેદનને લઈ સમગ્ર ગુજરાતમાં હજુ પણ વિરોધ યથાવત છે. ગુજરાતમાં રુપાલાના આ નિવેદને લઈ જોરશોરથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરસોત્તમ રુપાલા દ્વારા તેમના આ નિવેદનને લઈ અનેક વખત માફી માંગી હોવા છતા પણ આ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. 


શું છે રૂપાલાનો અભદ્ર ટિપ્પણીનો વિવાદ 
 
પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રૂપાલાએ રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. આ સભામાં તેમને કહ્યું હતુ કે, અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેમની તલવાર આગળ પણ નહોંતા ઝુક્યા. પરસોત્તમ રૂપાલાના આવા વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો.


રૂપાલાના વિરોધમાં સૌરાષ્ટ્રના રાજવી પરિવારો પણ મેદાનમાં આવ્યા હતા, ભાવનગર અને વઢવાણના રાજવી પરિવારોએ રૂપાલાના નિવેદનનો ખુલ્લો વિરોધ દર્શાવ્યો હતો અને સમાજ વિરૂદ્ધ આવી ટિપ્પણી ના ચલાવી લેવામાં આવે તેમ કહ્યું હતું.